નાણાકીય સમાવેશન (Financial Inclusion) રાજકોટ જિલ્લામાં ગત વર્ષમાં ૨.૨૯ લાખ ખેડૂત ખાતેદારોને રૂ. ૪૬૨૦ કરોડનું પાક ધિરાણ અપાયું ખેડૂત સમૃદ્ધ બને અને અદ્યતન પદ્ધતિઓ, નવીન સંશોધનો સાથે સરળતાથી ધિરાણ મેળવીને ખુશહાલીથી ખેતી કરી શકે તે માટે દૂરંદેશી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશભરમાં કૃષિલક્ષી અનેકવિધ યોજનાઓ અમલી છે. ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કૃષિ કલ્યાણની અનેકવિધ યોજનાઓનો સુચારુ રીતે અમલ થઈ રહ્યો છે. ખાસ કરીને ખેડૂતોને વાવેતર માટે પાક ધિરાણની જરૂરિયાત હોય, ત્યારે તેઓને સરળતાથી ધિરાણ મળી રહે તેના પર હંમેશા ભાર મુકવામાં આવે છે. આ જ કારણ છે કે, વર્ષ ૨૦૨૨માં રાજકોટ જિલ્લામાં ૨.૨૯ લાખ ખેડૂતોને વિવિધ બેન્કો દ્વારા રૂપિયા ૪૬૨૦.૨૯ કરોડનું માતબર રકમનું ધિરાણ આપવામાં આવ્યું છે. ભારતીય સ્ટેટ બેન્કના લીડ બેન્ક વિભાગના અહેવાલ મુજબ, ૩૧ ડિસેમ્બર, ૨૦૨૨ સુધીમાં રાજકોટ જિલ્લામાં ૨,૨૯,૧૮૯ ખેડૂત ખાતાધારકોને ૪૬૨૦.૨૯ કરોડની પાક લોન આપવામાં આવી છે. મહત્ત્વનું છે કે, તેમાંથી રાષ્ટ્રીયકૃત ૧૧ બેન્કો દ્વારા ૩૯,૮૬૬ ખાતાધારકોને ૧૧૨૦.૫૭ કરોડનું ધિરાણ અપાયું છે. જ્યારે માત્ર સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા ૨૦,૦૬૩ ખાતાધારકોને ૬૫૮.૪૬ કરોડની પાકલોન આપવામાં આવી છે. જો કૃષિ માટે પાક ધિરાણ મેળવવાનું હોય તો આજે પણ ખેડૂતોની પહેલી પસંદ સહકારી બેન્કો છે. રાજકોટ જિલ્લામાં ત્રણ સહકારી બેન્કો દ્વારા ૧,૫૦,૭૭૧ ખેડૂત ખાતાધારકોને રૂપિયા ૨૩૬૨.૬૭ કરોડની લોન આપવામાં આવી છે. જે ગયા વર્ષના કુલ પાક ધિરાણના લગભગ અડધોઅડધ જેટલું થાય છે. રાજકોટ જિલ્લામાં બે પ્રાદેશિક ગ્રામીણ બેન્ક દ્વારા ૮૮૯૩ ખેડૂતોને રૂ. ૧૬૮.૮૯ કરોડનું પાક ધિરાણ આપવામાં આવ્યું છે. જ્યારે ખાનગી બેન્કો દ્વારા ૯૬૦૬ ખેડૂત ખાતાધારકોને રૂ. ૩૦૯.૬૮ કરોડની પાક લોન આપવામાં આવી છે. એટલું જ નહીં, વિવિધ બેન્કો દ્વારા ૨૭,૫૯૦ ખેડૂત ખાતાધારકોને ૮૫૫.૦૮ કરોડની ટર્મ લોન પણ આપવામાં આવી છે. જ્યારે ખેતમાળખાકીય સુવિધાઓ (એગ્રીકલ્ચર ઈન્ફ્રાક્ચર) માટે ૨૨૭૧ ખાતાધારકોને રૂ. ૩૨૫.૬૪ કરોડની લોન આપવામાં આવી છે. ઉપરાંત એન્સિલરી પ્રવૃત્તિ એટલે કે ખેતીને સંલગ્ન અન્ય પૂરક સંસાધનો જેમ કે, પશુપાલન માટે વર્કિંગ કેપિટલ, ટ્રેક્ટર ખરીદવા માટે લોન, ડ્રીપ ઈરિગેશન, થ્રેસર, રોટાવેટર સહિતના સંસાધનો ખરીદવા માટે પણ બેન્કો દ્વારા ખેડૂતોને સરળતાથી ઋણ ઉપલબ્ધ કરાવાય છે. વર્ષ ૨૦૨૨ના ડિસેમ્બર સુધીમાં રાજકોટ જિલ્લામાં ૩૩૧૯ ખેડૂત ખાતાધારકોને રૂ. ૨૭૦૭.૪૧ કરોડની લોન આપવામાં આવી છે. બેન્કમાંથી પાક ધિરાણ મેળવવું કેટલું સરળ તથા ફાયદાકારક છે તે અંગે રાજકોટ તાલુકાના જીયાણા ગામના ખેડૂતશ્રી વલ્લભભાઈ પટેલે જણાવ્યું હતું કે,” અમે રાજકોટ જિલ્લા બેંકમાંથી પંચાવન હજાર રૂપિયાનું પાક ધિરાણ લીધું છે. પાક ધિરાણ યોજનાથી ઓછા વ્યાજે મળતું ધિરાણ મારા જેવા નાના ખેડૂતો માટે ખૂબ ઉપયોગી છે. આ ધિરાણ વાવેતર માટે જરૂરી બિયારણ, દવા સહિત અન્ય ખર્ચમાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે. સરકારશ્રી દ્વારા માઠા વર્ષોમાં તો વ્યાજ પણ માફ કરી દેવામાં આવે છે. સરકારની આવી યોજનાઓ માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરીએ છીએ.”