વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દિવસોમાં ફ્રાન્સની બે દિવસીય મુલાકાતે છે. પીએમ મોદી ગતરોજ પેરિસ પહોંચ્યા હતા. પહોંચીને પીએમ મોદીએ ભારતીય વિદ્યાર્થીઓને સારા સમાચાર આપ્યા છે. PM મોદીએ જાહેરાત કરી છે કે ફ્રાન્સમાં માસ્ટર્સ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને હવે 5 વર્ષના પોસ્ટ-સ્ટડી વર્ક વિઝા આપવામાં આવશે. જણાવી દઈએ કે અગાઉ, ફ્રાન્સમાં માસ્ટર્સનો અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ માટે 2-વર્ષના વર્ક-વિઝા હતા. પેરિસમાં લા સીન મ્યુઝિકલમાં ભારતીય સમુદાયને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, ‘પહેલા ફ્રાન્સ ભારતીય વિદ્યાર્થીઓને બે વર્ષના પોસ્ટ-સ્ટડી વિઝા આપતું હતું, હવે પાંચ વર્ષના પોસ્ટ-સ્ટડી વર્ક વિઝા આપવામાં આવશે.’
બેસ્ટિલ ડેની ઉજવણીમાં મુખ્ય અતિથિ છે પીએમ મોદી
વડા પ્રધાન પેરિસમાં ફ્રેન્ચ રાષ્ટ્રીય દિવસ અથવા બેસ્ટિલ ડેની ઉજવણીમાં પ્રમુખ મેક્રોન સાથે મુખ્ય અતિથિ તરીકે જોડાશે. તેમના સંબોધન દરમિયાન, પ્રધાનમંત્રીએ ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારી પર પણ વાત કરી, જે આ વર્ષે તેની 25મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે. પીએમ મોદીએ ફ્રાન્સના માર્સેલીમાં નવી એમ્બેસી ખોલવાની પણ જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે અમેરિકા, બ્રિટન, જર્મની અને ઓસ્ટ્રેલિયા પછી ફ્રાન્સ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ અભ્યાસ માટે પ્રખ્યાત છે.
ભારતીય વિદ્યાર્થીઓ સૌથી વધુ મેનેજમેન્ટનો અભ્યાસ કરે છે
COVID-19 પછીના તાજેતરના સત્તાવાર આંકડાઓ અનુસાર, 2021-2022 શૈક્ષણિક સત્રમાં ફ્રાન્સમાં લગભગ 6,000 ભારતીય વિદ્યાર્થીઓ છે, જેમાંથી 70% થી વધુ મેનેજમેન્ટ પ્રોગ્રામ્સ કરી રહ્યા છે. PM મોદી આવતીકાલે, 15 જુલાઈએ પેરિસથી અબુ ધાબી, UAEની સત્તાવાર મુલાકાતે જશે. જણાવી દઈએ કે UAE આ વર્ષના અંતમાં UNFCCC (COP-28) ની 28મી કોન્ફરન્સનું આયોજન કરશે.