ઔદ્યોગીક ક્રાંતિ માટે અદ્યતન ટેક્નોલોજી પાયારૂપ એકમ છે. નવીનત્તમ ટેક્નોલોજીના વિકાસ માટે રિસર્ચર્સ અને ઈનોવેટર્સને યોગ્ય તકો પૂરી પાડવી પણ ખૂબ જ જરૂરી છે. ઈનોવેટર્સને સહયોગી થવા અર્થે ઑલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (એઆઈસીટીઈ) દ્વારા દેશભરમાં 93 આઈડિયા લેબની સ્થાપના કરવામાં આવેલ છે. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સહિત 3 આઈડિયા લેબ રાજ્યમાં કાર્યરત છે. જીટીયુ આઈડિયા લેબ દ્વારા પણ એઆઈસીટીઈના લક્ષ્યને સહભાગી થવા માટે સમયાંતરે રીસચર્સ અને ઈનોવેટર્સ માટે અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં જ જીટીયુ આઈડિયા લેબ દ્વારા ડિઝાઈન એન્જિનિયરીંગ વિષય પર 6 દિવસીય ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામનું (FDP) આયોજન કરવામાં આવ્યું છે.
આ સંદર્ભે જીટીયુના કાર્યકારી કુલપતિ પ્રો. ડૉ. પંકજરાય પટેલે જણાવ્યું હતું કે , આઈડીયા થી લઈને ઈનોવેશન અને તેની પેટન્ટ થકી ભારત ખરા અર્થમાં આત્મનિર્ભર થશે. આઈડિયાલેબ ઈનોવેટર્સના આઈડિયાને માર્ગદર્શન પૂરું પાડીને સમસ્યાના સમાધાનરૂપી ઈનોવેશન કરવામાં સહયોગી થાય છે. કાર્યક્રમના ઉદ્ધાટન પ્રસંગે જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેર , જીટીયુ જીસેટના ડાયરેક્ટર અને આઈડિયા લેબના ચીફ મેન્ટર પ્રો. ડૉ. એસ. ડી. પંચાલ , કો-ઓર્ડિનેટર ડૉ. એસ. કે, હડિયા , મુખ્ય મહેમાન સ્થાને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઈનના પ્રો. ભાવીન કોઠારી અને તજજ્ઞ તરીકે આઈનોડેસ્કના ફાઉન્ડર શ્રી કરમજીતસિહ ભીલોહા ઉપસ્થિત રહ્યા હતાં. જીટીયુ સંલગ્ન કોલેજોના કુલ 43 ફેકલ્ટીઝ FDPમાં હાજર રહીને તજજ્ઞો દ્વારા માર્ગદર્શન મેળવશે. આઈડિયા લેબના મૂળ હેતુ અનુસાર વિજ્ઞાન , ગણિત , એન્જિનિયરીંગ અને ટેક્નોલોજી ક્ષેત્રના ઈનોવેટર્સ એક સાથે મળીને દરેક જનસામાન્યને અસરકારક સમસ્યાના સમાધાનરૂપી આઈડિયાને ઈનોવેશનમાં રૂપાંતરીત કરવા માટે કાર્યરત રહેશે. આ FDP અંતર્ગત કોવિડ-19 અને વેસ્ટ મેનેજમેન્ટ વિષય પર પ્રોબ્લેમ – સોલ્વીંગ બાબતે કાર્ય કરવામાં આવશે. આ ઉપરાંત 6 દિવસીય પ્રોગ્રામ દરમિયાન તજજ્ઞો દ્વારા ક્રિએટીવ થીંકિંગ , મટેરીયલ એક્સપ્લોરેશન, 3-ડી મોડેલિંગ, રેપીડ પ્રોટોટાઈપીંગ, ઈનોવેશન પ્રોસેસ, સ્કેચીંગ, પ્રોબ્લેમ સોલ્વીંગ અને ઈન્ટલ એક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ (IPR) જેવા વિષયો પર તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. જીટીયુના કુલપતિ અને કુલસચિવે કૉ- ઓર્ડિનેટર પ્રો. રાજ હકાણી , પ્રો. નિલેષ શર્મા અને શ્રી પ્રિયા મિશ્રાને સફળ આયોજન માટે શુભકામના પાઠવી હતી.