અમેરિકાના હ્યુસ્ટનમાં વીજળી પડતાં એક ભારતીય વિદ્યાર્થિની કોમામાં સરી પડી હતી અને તેના મગજે કામ કરવાનું બંધ કરી દીધું હતું. એક રીતે બ્રેઈન ડેડ થઈ ગયું. પરંતુ હૃદયના કામ કરવાને કારણે ડોક્ટરોએ તેને વેન્ટિલેટર પર મૂકીને તેની સારવાર ચાલુ રાખી. લગભગ 1 અઠવાડિયાની રાહ જોયા પછી, વિદ્યાર્થિનીને ફરીથી હોશ આવ્યો. તે ફરીથી જીવી ગઈ. જો કે, તે હજુ પણ હોસ્પિટલમાં છે અને તેના હોશમાં આવવા પર ડોક્ટરોએ ખુશી સાથે આશ્ચર્ય પણ વ્યક્ત કર્યું છે. તબીબોના જણાવ્યા અનુસાર હવે વિદ્યાર્થિનીના સ્વસ્થ થવાની આશા વધી ગઈ છે.
હ્યુસ્ટનમાં વીજળી પડવાથી ગંભીર રીતે દાઝી ગયેલ ભારતીય મૂળની વિદ્યાર્થિનીની હાલત સુધારા પર છે. ડોક્ટરોએ આ જાણકારી આપી. હ્યુસ્ટન યુનિવર્સિટીમાં ઇન્ફર્મેશન ટેક્નોલોજીનો અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાસરુન્યા કોડુરુ 2 જુલાઈના રોજ તેના મિત્રો સાથે સાન જેસિન્ટો મેમોરિયલ પાર્કમાં ચાલી રહી હતી ત્યારે અચાનક વીજળી પડી અને એ તેની ચપેટમાં આવી હતી. તેની હાલત ખરાબ થઈ ગઈ હતી અને તે પોતાના જીવન-મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરી રહી હતી. હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે તે છેલ્લા અઠવાડિયાથી જાતે શ્વાસ લઈ રહી છે અને તેને વેન્ટિલેટર પરથી હટાવી દેવામાં આવી છે.
વિદ્યાર્થિનીની સારવાર કરી રહેલા ડૉક્ટરોએ કહ્યું કે, તે વેન્ટિલેટર વિના ઠીક છે અને જો તેની તબિયત આ રીતે સુધરતી રહેશે તો તેને હવે વેન્ટિલેટરની જરૂર નહીં પડે. કોદુરુનો પરિવાર હાલ હૈદરાબાદમાં છે. વિદ્યાર્થિનીના પરિવારના અન્ય લોકોએ જણાવ્યું કે પરિવારને યુએસ જવા માટે વિઝા મળી ગયા છે અને તેઓ આવતા અઠવાડિયે અહીં આવશે. કોડુરુ શ્વાસ લેવામાં અસમર્થ હતી તેથી તેને ‘ટ્રેકિયોસ્ટોમી’ પછી વેન્ટિલેટર પર મૂકવામાં આવી હતી અને તેને ટ્યુબ દ્વારા ખોરાક પણ આપવામાં આવી રહ્યો હતો. તેના મગજે પણ કામ કરવાનું બંધ કરી દીધું હતું અને ડોકટરો મગજ કામ કરવાનું શરૂ કરે તેની રાહ જોઈ રહ્યા હતા. હ્યુસ્ટન યુનિવર્સિટીએ આ બાબતે કોઈ અપડેટ માહિતી શેર કરી નથી.