વડોદરાના ભાયલી વિસ્તારમાં એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. રોંગ સાઇડમાં બેફામ આવી રહેલા ટેમ્પોચાલકે એક બાઇકસવાર પિતા અને ત્રણ વર્ષના માસૂમ બાળકને અડફેટે લેતા માસૂમનું મોત નીપજ્યું હતું. પિતાએ જણાવ્યું કે, નવા ઘરમાં ગૃહપ્રવેશના દિવસે જ તેમના દીકરાનું મોત નીપજ્યું છે. માસૂમના મોતથી પરિવારજનોમાં માતમ છવાયો છે. આ મામલે પોલીસે આરોપી ટેમ્પોચાલક વિપુલ રાવલની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ભાયલી વિસ્તારમાં આવેલા રબારીવાસમાં સંજયભાઇ રાવલ પરિવાર સાથે રહે છે. તેમને નિલામ્બર સર્કલ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન લાગ્યું હતું, જેનો ગઈકાલે ગૃહપ્રવેશ હતો. પરંતુ, ગૃહપ્રવેશના દિવસે જ તેમના ત્રણ વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. આથી હર્ષનો માહોલ માતમમાં ફેરવાયો હતો. અહેવાલ અનુસાર, ગઇકાલે સંજયભાઇ બાઈક પર તેમના 3 વર્ષના પુત્રને લઈ ઘરે આવી રહ્યા હતા, ત્યારે ભાયલી સ્મશાન નજીક રોંગ સાઇડમાં એક ટેમ્પોચાલક પૂરઝડપે આવ્યો અને સંજયભાઈની બાઇકને અડફેટે લીધી હતી.
આરોપીની અટકાયત, મૃતદેહ પીએમ અર્થે મોકલાયો
આ અકસ્માતમાં સંજયભાઈ અને તેમને 3 વર્ષનો માસૂમ પુત્ર નીચે પટકાયા હતા. આથી તેમણે ગંભીર ઈજાઓ થઈ હતી. પુત્રને લઈ સંજયભાઈ હોસ્પિટલ પહોંચ્યા પરંતુ, સારવાર દરમિયાન માસૂમનું મોત નીપજ્યું હતું. આ મામલે તાલુકા પોલીસે આરોપી ટેમ્પોચાલક વિપુલ રાવલની અટકાયત કરી, બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે માસૂમના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ છે.