અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવાસના નામે છેતરપિંડી કર્યાની ઘટના સામે આવી છે. સરકારી આવાસના મકાનોમાં આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદે લોકોને લોન આપવાના બહાને ઠગાઈ કરતી મહિલા ગેંગની ધરપકડ કરવામાં આવી છે. ગેંગની બે મહિલા આરોપીની રામોલ પોલીસે ધરપકડ કરી છે. જ્યારે અન્ય એક આરોપી ફરાર હોવાથી તેની શોધખોળ કરવામાં આવી રહી છે. પોલીસ તપાસમાં ઝડપાયેલી બે મહિલાએ સંખ્યાબંધ લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.
અગાઉ મહિલા પાસેથી 60 હજારની છેતરપિંડી આચરી હતી
વસ્ત્રાલમાં આવેલા શિવમ આવાસ યોજનામાં ગઈકાલે બે મહિલાઓ લોન આપવાના બહાને પહોંચી હતી. જ્યાં તેમણે કેટલાક રહીશોના ડોક્યૂમેન્ટની ચકાસણી કરી 5 લાખ સુધીની હોમ લોન આપવાનું કહ્યું હતું. જો કે, દરમિયાન અગાઉ ભોગ બનનાર મહિલા ત્યાં પહોંચી જતા બંને મહિલાનો પર્દાફાશ થયો હતો.
આરોપીઓએ ભોગ બનનાર મહિલા પાસેથી રૂ. 60 હજારની છેતરપિંડી આચરી હતી. ભોગ બનનાર મહિલાની ફરિયાદના આધારે રામોલ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી બે મહિલા આરોપીની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપી ફરાર હોવાથી તેની શોધખોળ આદરી છે.