રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનને લઈને મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આફ્રિકન પહેલ યુક્રેનમાં શાંતિ લાવી શકે છે, પરંતુ યુક્રેનિયન હુમલાએ આ માટે મુશ્કેલીઓ ઊભી કરી છે. પુતિને શુક્રવારે (28 જુલાઈ) સેન્ટ પીટર્સબર્ગમાં આફ્રિકન નેતાઓને મળ્યા બાદ આ નિવેદન આપ્યું હતું.
પુતિને પ્રસ્તાવ વિશે કહ્યું કે, તેમાં એવી બાબતો છે, જેનો અમલ કરવો લગભગ અશક્ય છે, જેમ કે યુદ્ધવિરામ. યુક્રેન સતત અમારા પર હુમલો કરી રહ્યું છે. તેઓ મોટા પાયે વ્યૂહાત્મક આક્રમણ ચલાવી રહ્યા છે, જ્યારે અમારા પર હુમલો થાય છે ત્યારે અમે ગોળીબાર રોકી શકતા નથી. શાંતિ વાટાઘાટો શરૂ કરવાના પ્રશ્ન પર પુતિને કહ્યું કે, અમે તેને નકારી નથી. આ પ્રક્રિયા શરૂ કરવા માટે, બંને પક્ષોએ સંમત થવું પડશે.
યુક્રેન યુદ્ધવિરામની તરફેણમાં નથી- પુતિન
બીજી તરફ, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી હાલમાં યુદ્ધવિરામના પક્ષમાં નથી. તેમનું કહેવું છે કે, આમ કરવાથી પુતિનને નવી રણનીતિ ઘડવા માટે પુષ્કળ સમય મળશે. જે આપણા હિતમાં નહીં હોય. શાંતિની પુનઃસ્થાપના અંગે ઝેલેન્સકીએ વધુમાં કહ્યું કે, પુતિન અધિકૃત વિસ્તારમાંથી પોતાની સેના પાછી ખેંચે ત્યારે જ શક્ય છે. જો કે, રશિયા યુક્રેનની આ માંગને પહેલા જ ફગાવી ચૂક્યું છે. રશિયાએ કહ્યું છે કે, કબજે કરેલા વિસ્તારને ખાલી કરવો શક્ય નથી.