ચીનને મોટો ફટકો આપતા ભારત સરકારે આયાતી લેપટોપ, ટેબલેટ, ઓલ-ઈન-વન પર્સનલ કોમ્પ્યુટર, અલ્ટ્રા સ્મોલ ફોર્મ ફેક્ટર (યુએસએફએફ) કોમ્પ્યુટર અને સર્વરની આયાત પર અંકુશ લગાવ્યો છે. આયાત પરનો આ પ્રતિબંધ તાત્કાલિક અસરથી લાગુ થશે. સાદી ભાષામાં કહીએ તો હવે ચીનમાં બનેલી ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ ભારતમાં નહીં મળે. ભારતમાં આ વસ્તુઓનું ઉત્પાદન વધારવા અને ચીનમાંથી આયાત ઘટાડવા માટે સરકારે આ નિર્ણય લીધો છે.
સરકારે ઈલેક્ટ્રોનિક્સ સામાનના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા માટે ઘણાં પગલાં લીધાં છે. ભારતીય બજારમાં વેચાતી મુખ્ય ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ્સમાં HCL, Samsung, Dell, LG Electronics, Acer, Apple, Lenovo અને HPનો સમાવેશ થાય છે. આ પ્રતિબંધ બાદ હવે HP, Dell, Lenovo જેવી કંપનીઓએ ભારતમાં તેમના મેન્યુફેક્ચરિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આ કંપનીઓ ચીનમાંથી તૈયાર ઉત્પાદનોની સીધી આયાત કરી શકશે નહીં. ભારતે 2022-23માં $5.33 બિલિયનના લેપટોપ સહિત પર્સનલ કોમ્પ્યુટરની આયાત કરી છે. 2021-22માં આ આંકડો $7.37 બિલિયન હતો.
આ પ્રતિબંધની શું અસર થશે
છેલ્લા ક્વાર્ટરમાં (એપ્રિલ-જૂન), ઈલેક્ટ્રોનિક્સ આયાત, જેમાં આ ત્રણ વસ્તુઓનો સમાવેશ થાય છે, કુલ $19.7 બિલિયન હતી. જે ગત વર્ષની સરખામણીએ 6.25 ટકા વધુ છે. જોકે, આ પગલું ડેલ, એસર, સેમસંગ, પેનાસોનિક, એપલ, લેનોવો અને એચપી જેવી કંપનીઓ માટે પડકાર ઉભો કરી શકે છે. આ કંપનીઓ ભારતીય બજારમાં મુખ્ય ખેલાડીઓ છે અને ગ્રાહકોની માંગને પહોંચી વળવા ખાસ કરીને ચીન જેવા દેશોમાંથી આયાત પર આધાર રાખે છે.
આ અંકુશનો અર્થ શું છે
પ્રોડક્ટની આયાતને પ્રતિબંધિત કરવાનો અર્થ એ છે કે તેમની આયાત માટે લાઇસન્સ અથવા સરકારની પરવાનગી ફરજિયાત છે. આ ઉત્પાદનોની આયાતને માન્ય લાઇસન્સને આધીન પરવાનગી આપવામાં આવશે. એટલે કે હવે વિદેશથી આ ઉત્પાદનો ભારતમાં નહીં આવે. તેમની આયાત માટે ભારત સરકારની પરવાનગી જરૂરી રહેશે.
20 વસ્તુઓની આયાત મુક્તિ
નોટિફિકેશનમાં જણાવાયું છે કે માઈક્રો કોમ્પ્યુટર્સ, મોટા કોમ્પ્યુટર્સ અને અમુક ડેટા પ્રોસેસિંગ મશીનોને પણ ઈમ્પોર્ટ અંકુશની શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. ડાયરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ (DGFT) એ ગુરુવારે જારી કરેલી સૂચનામાં જણાવ્યું કે સંશોધન અને વિકાસ, પરીક્ષણ, બેંચમાર્કિંગ, મૂલ્યાંકન, સમારકામ અને ઉત્પાદન વિકાસના હેતુ માટે, આયાત લાઇસન્સ હવે પ્રતિ કન્સાઇનમેન્ટ 20 વસ્તુઓ સુધી હશે. આ પગલાનો હેતુ ચીન જેવા દેશોમાંથી આયાત ઘટાડવાનો છે.
ઈકોમર્સ કંપનીઓને ડિસ્કાઉન્ટ મળ્યું
આ પ્રતિબંધો સામાનના નિયમ હેઠળ લાગુ થશે નહીં. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, એક લેપટોપ, ટેબ્લેટ, ઓલ-ઇન-વન પર્સનલ કોમ્પ્યુટર, ઈ-કોમર્સ પોર્ટલ દ્વારા ખરીદાયેલ, પોસ્ટ અથવા કુરિયર દ્વારા ઓર્ડર કરાયેલ પ્રોડક્ટને આયાત લાયસન્સની જરૂરિયાતમાંથી મુક્તિ આપવામાં આવશે. આવા કિસ્સાઓમાં આયાત લાગુ ડ્યુટીની ચૂકવણી પર કરી શકાય છે.
ભારત આ ત્રણ વસ્તુઓ સૌથી વધુ કરે છે આયાત
સંશોધન સંસ્થા ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (જીટીઆરઆઈ)ના અહેવાલ મુજબ, ચીનમાંથી ભારતની 65 ટકા આયાત માત્ર ત્રણ ઉત્પાદન જૂથો, ઈલેક્ટ્રોનિક્સ, મશીનરી અને ઓર્ગેનિક કેમિકલ્સમાં થાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત તેની દૈનિક જરૂરિયાતો અને ઔદ્યોગિક ઉત્પાદનો જેમ કે મોબાઈલ ફોન, લેપટોપ, કમ્પોનન્ટ્સ, સોલાર સેલ મોડ્યુલ અને આઈસી માટે ઘણા અંશે ચીન પર ખૂબ જ નિર્ભર છે.