રાજકોટમાં લોકમેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને તે અંતિમ તબક્કામાં છે. લોકમેળાની તૈયારીઓ માટે રેસકોર્સ મેદાનમાં ઝડપી કામગીરી ચાલી રહી છે. વિવિધ રાઇડ્સ અને સ્ટોલ લગાવવામાં આવી રહ્યા છે. જો કે, આ દરમિયાન એક દુર્ઘટના ઘટી છે, જેમાં ટ્રકમાંથી રાઇડ્સ ઉતારતી સમયે તે એક મજૂર પર પડી હતી.આ ઘટના એક મોબાઇલ વીડિયોમાં કેદ થઈ હતી. સદનસીબે મજૂરને કોઈ ગંભીર ઇજા થઈ નથી. હાલ મજૂરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
5થી 9 સપ્ટેમ્બર દરમિયાન લોકમેળાનું આયોજન
સાતમ-આઠમ નિમિત્તે રાજકોટમાં લોકમેળાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અલગ અલગ રાઇડ, ખાણીપીણીના વિવિધ સ્ટોલ અને મંડપ ઊભા કરવામાં આવી રહ્યા છે. માહિતી મુજબ, રાજકોટ લોકમેળાનું નામ આ વર્ષે ‘રંગ’રાખવામાં આવ્યું છે. 5થી 9 સપ્ટેમ્બર દરમિયાન લોકમેળાનું આયોજન કરવામાં આવશે. રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ લોકમેળાનું ઉદ્ઘાટન કરી મેળો જાહેર જનતા માટે ખુલ્લો મૂકશે.
48 જેટલી નાની અને 44 જેટલી મોટી રાઇડ
લોકમેળામાં 48 જેટલી નાની અને 44 જેટલી મોટી રાઇડ આ વખતે મૂકવામાં આવી છે. માહિતી મુજબ, જન્માષ્ટમી નિમિત્તે આ વર્ષે વિવિધ જિલ્લાઓથી અંદાજે 15 લાખ જેટલા લોકો આ લોકમેળાની મુલાકાત લઈ શકે છે. લોકમેળા દરમિયાન કોઈ અચ્છિનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવશે. સાથે ફાયર બ્રિગેડ સહિત અન્ય રાહત વિભાગોને પણ એલર્ટ પર રખાશે.