મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીને આજે ગુજરાત હાઈકોર્ટમાંથી પણ રાહત મળી નથી. કોર્ટે તેમની સજા પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો હતો. આ નિર્ણય બાદ કોંગ્રેસે દેશની સર્વોચ્ચ અદાલતનો સંપર્ક કરવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આ એક ષડયંત્ર છે જેનો ઉદ્દેશ્ય સ્વતંત્ર વિચાર અને વાતચીતને રોકવાનો છે, તેનું ગળું દબાવવાનો છે અને આવી સ્વતંત્ર વિચારસરણી કોઈ કરી શકે નહીં. આ સિવાય તેમણે કહ્યું કે, અમે રાહુલ ગાંધી પર ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારીશું.
હાઈકોર્ટથી આંચકો, સુપ્રીમ કોર્ટ પાસેથી આશા?
ગુજરાત હાઈકોર્ટના નિર્ણય પર કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, એક ઉદ્દેશ્ય હાંસલ કરવા માટે માનહાનિના કાયદાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. અમે સંપૂર્ણ કાયદો અને ન્યાય વ્યવસ્થામાં વિશ્વાસ કરીએ છીએ. અમને લાગે છે કે સુપ્રીમ કોર્ટની પર એક કોર્ટ છે અને તે જનતાની કોર્ટ છે. સિંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપોની લઘુ કુટીર બની છે. અમે તેને લોકો સમક્ષ મુકી રહ્યા છીએ. સિંઘવીએ અરજદાર પૂર્ણેશ મોદીનો પણ ઉલ્લેખ કર્યો કે, કેવી રીતે તેઓ આ મામલાને પહેલા ટ્રાયલ કોર્ટ અને પછી હાઈકોર્ટમાં લઈ ગયા. ત્યાં સ્ટે લાદવામાં આવ્યો હતો. જે બાદ સ્ટે કેન્સલ કરી ફરી મામલો ખુલ્લો મુકાયો હતો.
રાહુલ ગાંધીના કેસમાં ગુજરાત હાઈકોર્ટે શું કહ્યું?
ગુજરાત હાઈકોર્ટે આજે રાહુલ ગાંધી સામે માનહાનિના કેસમાં ફટકારવામાં આવેલી સજાને યથાવત રાખી છે. એટલે કે, તેમની સજા પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો. હાઈકોર્ટે કહ્યું કે, રાહુલને દોષિત ઠેરવતો ટ્રાયલ કોર્ટનો આદેશ સાચો હતો. તેની સામે 10 ગુનાહિત કેસ પેન્ડિંગ છે. વીડી સાવરકરના પૌત્રે પણ તેમની સામે કેસ દાખલ કર્યો છે. કોર્ટે કહ્યું કે, આ મામલામાં હસ્તક્ષેપ કરવાની જરૂર નથી, તેથી અરજી ફગાવી દેવામાં આવે છે.