વિપક્ષી જૂથ ઈન્ડિયા (I.N.D.I.A) એ આગામી લોકસભા ચૂંટણી માટે કમર કસી છે. થોડા દિવસો પહેલા મુંબઈમાં બે દિવસીય બેઠક દરમિયાન I.N.D.I.A. સમૂહના મોટા ભાગના વરિષ્ઠ નેતાઓએ ભાગ લીધો હતો. આ જૂથમાં સામેલ કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળોના નેતાઓએ એક અવાજે કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણીમાં I.N.D.I.A. જૂથ જીતશે.
તે જ સમયે, રવિવારે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને સંગઠનાત્મક મુદ્દાઓ અને વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, આ બેઠકમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને મહાસચિવ કેસી વેણુગોપાલ હાજર હતા.
I.N.D.I.A બ્લોકના સાંસદોની બેઠક
ખડગેએ સંસદના વિશેષ સત્ર પહેલા 5 સપ્ટેમ્બરે I.N.D.I.A બ્લોકના સાંસદોની બેઠક બોલાવી છે. સૂત્રોએ જણાવ્યું કે, વિપક્ષી પાર્ટીઓ 18થી 22 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર આગામી વિશેષ સત્ર માટે તેમની રણનીતિ નક્કી કરશે. તેમણે જણાવ્યું કે ખડગેએ અહીં રાજાજી માર્ગ પરના તેમના નિવાસસ્થાને બેઠક બોલાવી છે. સંસદના પાંચ દિવસીય વિશેષ સત્રનો એજન્ડા હજુ સ્પષ્ટ નથી.
અમે સીટ વહેંચણીની પ્રક્રિયા શરૂ કરીશું: કેસી વેણુગોપાલ
આ બેઠક પહેલા કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે રવિવારે ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વિપક્ષી ગઠબંધન – ‘ઈન્ડિયા’ બ્લોક 2024ની લોકસભા ચૂંટણી પછી કેન્દ્રમાં સરકાર બનાવશે. મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણી અંગે તેમણે કહ્યું કે, “અમે સીટ વહેંચણીની પ્રક્રિયા શરૂ કરીશું. અમે તે પ્રક્રિયામાં સરળતાથી આગળ વધીશું, જ્યાં સુધી શક્ય હશે, અમે પીએમ મોદીના નેતૃત્વવાળી ભાજપ સામે લડીશું. 2024માં અમે સરકાર બનાવીશું.”