મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતેથી પોલીસ
કર્મચારીઓ માટેની એક દિવસીય રાજ્યવ્યાપી CPR ટ્રેનિંગનો પ્રારંભ કરાવ્યો હતો.
રાજ્યભરમાં પોલીસ જવાનો પણ કાર્ડિયાક ઇમરજન્સીની સ્થિતિમાં લોકોને મદદરૂપ થાય તેવા ઉમદા આશયથી સોલા સિવિલ ખાતે ઇન્ડીયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજીસ્ટના સહયોગથી ગુજરાત પોલીસ દ્વારા આ CPR ટ્રેનિંગ આયોજિત કરવામાં આવી હતી.આ CPR તાલીમ શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના કુશળ નેતૃત્વમાં કેન્દ્ર સરકારે સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના નવ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. વડાપ્રધાનએ હંમેશા ગરીબ અને છેવાડાના માનવીને કેન્દ્રસ્થાને રાખીને કેવી રીતે સેવા અને સુશાસન સ્થાપી શકાય તે માટે માર્ગદર્શન પૂરું પાડયું છે. વધુમાં વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય સ્વાસ્થ્ય અને સુરક્ષા ક્ષેત્રે અવિરત પ્રગતિ કરી રહ્યું છે, જેમાં રાજ્યના સુરક્ષાકર્મીઓનો મહત્વનો ફાળો રહ્યો છે. રાજ્યના પોલીસ કર્મીઓએ કોરોનાકાળમાં અનેક સ્થળોએ સ્વૈચ્છિક સેવાઓ પૂરું પાડીને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જાહેર સ્થળોએ, જાહેર કાર્યક્રમોમાં, દરેક ક્ષેત્રે પોલીસ કર્મીઓ પોતાની ફરજ ઉપરાંત પણ ઉત્સાહપૂર્વક સેવાઓ પૂરી પાડતા હોય છે.
રાજ્યભરમાં યોજાવા જઈ રહેલી સીપીઆર ટ્રેનિંગ અંગે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યભરમાં આજે 55000 પોલીસકર્મીઓ આ તાલીમ લેવા જઈ રહ્યા છે, જે બહુ મોટી વાત છે. આજે સમાજમાં નાની ઉંમરે લોકોને ડાયાબિટીસ, બ્લડપ્રેશર, કેન્સર, હાર્ટ એટેક જેવી બીમારીઓ જોવા મળતી હોય છે. કાર્ડિયાક ઇમરજન્સીની સ્થિતિમાં 'ગોલ્ડન અવર'માં જો વ્યક્તિને પ્રાથમિક સારવાર મળી જાય તો તેની જિંદગી બચી જતી હોય છે. આ પદ્ધતિસર તાલીમ બાદ રાજ્યભરના પોલીસ કર્મીઓ પણ લોકોની જિંદગી બચાવવાના ઉમદા કાર્યમાં સહભાગી બનશે જે ગૌરવપૂર્ણ વાત છે. પોલીસ વિભાગની આ પહેલ ખરેખર પ્રશંસનીય છે. આ સાથે જ આપણે સૌએ લોકોની જિંદગી બચાવવાના ભગીરથ પ્રયાસોમાંના એક એવા અંગદાનના ક્ષેત્રે પણ જાગૃતિ ફેલાવવી જોઈએ. અંગદાન થકી અનેક લોકોની જિંદગી બચાવી શકાય છે, આથી આપણે સૌ પોતાના કુટુંબ અને સમાજમાં આ અંગે જાગૃતિ ફેલાવીએ અને વિકસિત ગુજરાત સાથે વિકસિત ભારતના આપણા સંકલ્પ પ્રત્યે કટિબદ્ધ બનીએ એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, કાર્ડિયાક ઇમરજન્સી જેવી કપરી પરિસ્થિતિમાં માનવીનો જીવ બચાવવા માટે કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન(CPR) ખૂબ જ અગત્યની પ્રાથમિક સારવાર પદ્ધતિ છે. રાજ્યભરમાં 37 મેડિકલ કોલેજો અને 14 અન્ય સ્થળોએ મળીને કુલ 51 સ્થળોએ 2500થી વધુ ડૉક્ટરો અને તબીબી વ્યવસાયિકો દ્વારા 55 હજારથી વધુ પોલીસ જવાનોને કાર્ડિયો
પલ્મનરી રિસસિટેશન(CPR)ની તાલીમ આપવામાં આવશે તથા અંગ દાન જાગૃતિના ભાગરૂપ 'અંગદાન મહાદાન'ના સ્વૈચ્છિક શપથ સાથે અંગદાન સંકલ્પ કરાવવામાં આવશે. આ અંગે
વર્લ્ડ રેકોર્ડ સ્થાપવાના પ્રયત્નો કરવામાં આવનાર છે.
આ CPR તાલીમ શુભારંભ પ્રસંગે નાયબ દંડક જગદીશભાઈ મકવાણા, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, નરોડાના ધારાસભ્ય ડો.પાયલ કુકરાણી, ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર પ્રેમવિર સિંહ, પૂર્વ મંત્રી રજની પટેલ, પ્રદેશ ડોકટર સેલના સંયોજક ડો. ધર્મેન્દ્ર ગજ્જર, AMC ના સ્ટે.કમિટી ચેરમેન શ્રી હિતેશ બારોટ, અંગદાન જાગૃતિના કાર્ય સાથે સંકળાયેલા દિલીપ દેશમુખ સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો અને પોલીસ વિભાગના કર્મચારીઓ, અધિકારીઓ તથા ડોક્ટર્સ અને આરોગ્ય શાખા સાથે સંકળાયેલા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.