કચ્છ અને સૌરાષ્ટ્ર સહીતના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ભારે નુકશાન કેરીના પાકને થવાની શક્યતા છે. કમોસમી વરસાદે આ વખતે તારાજી સર્જી છે જેમાં ઉભા પાકને ભારે નુકશાન થવાનો ભય છે. ત્યારે ઉનાળાની સિઝન શરુ થઈ ગઈ છે પરંતુ કેરીના પાકને નુકશાન થવાના કારણે મોડે મોડે કેરીનો સ્વાદ ચાખવા મળશે આ ઉપરાંત મોંઘી કેરી શરુઆતમાં બજારમાં ઉપલબ્ધ થશે.
આગામી 2 દિવસમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી
બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી સહીતના વિસ્તારોમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં હવામાન વિભાગ અનુસાર જામનગર, રાજકોટ, પાટણમાં માવઠું પડી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે.
કચ્છના આ વિસ્તારોમાં આજે વરસાદ
કચ્છમાં પણ આજે માવઠાના કારણે ખેતીના પાકને નુકશાન થયું છે. અત્યારે કચ્છમાં લખતપ, નખત્રાણા, માંડવી સહીતના વિવિધ વિસ્તારોમાં માવઠું થયું છે. આ ઉપરાંત કેરી, દાડમ સહીતના પાકોને પણ ભારે નુકશાન થવાની ભિતી છે. આ ઉપરાંત જખૌ પોર્ટ પર ભારે પવન સાથે માવઠા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. બદલાયેલા વાતાવરણ સાથે પવન ફુંકાતા આ વિસ્તારના ખેડૂતોની પણ ચિંતા વધી છે.
સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ
જુનાગઢ જિલ્લામાં પણ દાણાપીઠ દિવાન ચોક સહીતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. આ ઉપરાંત અન્ય કેટલાક વિસ્તારોમાં પણ માવઠું થતા નુકશાની ખેડૂતોના પાકને થઈ શકે છે. જુનાગઢ જિલ્લામાં કેટલાક વિસ્તારમાં રસ્તા પર પાણી ફરી વળ્યા છે.