કેન્દ્રમાં મોદી સરકાર બન્યા બાદ ગુજરાત કેડરના ખાસ ગણાતા સંખ્યાબંધ આઇએએસ અધિકારીઓ હાલ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે. ત્યારે ગુજરાત કેડરના વધુ બે આઈએએસ અધિકારીને દિલ્હીનું તેડું આવ્યું છે. રાજયના બે આઈએએસ અધિકારી વિજય નેહરા અને મનીષ ભારદ્વાજ ડેપ્યુટેશન પર દિલ્હી જઈ રહ્યા છે.
સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ, 2001ની બેચના આઈએએસ અધિકારી વિજય નહેરાને નેશનલ ડિફેન્સ કોલેજમાં મુકાયા છે, જ્યારે 1997ની બેચના આઈએએસ અધિકારી મનીષ ભારદ્વાજને યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (યુઆઈડીએઆઈ)ના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે મુકવામાં આવ્યા છે. જણાવી દઈએ કે અત્યાર સુધીમાં કેન્દ્રની મોદી સરકાર દ્વારા ગુજરાત કેડરના 11 જેટલા આઈએએસ અધિકારીઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. આ તમામ અધિકારીઓને ડેપ્યુટેશન આપવામાં આવ્યું છે.
આ પોસ્ટ પર કરાઈ નિમણૂક
જણાવી દઈએ કે, વિજય નેહરા મૂળ રાજસ્થાનના સીકરના વતની છે અને તેમણે મુંબઈથી કેમેસ્ટ્રીમાં MSC અને IITનો અભ્યાસ કર્યો છે. તેઓ 2001ની બેચના IAS અધિકારી છે. અગાઉ તેમની પાસે ગુજરાત ઈન્ફોમિટિક્સ લિમિટેડની જવાબદારી હતી. હાલમાં તેઓ સાયન્સ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં સચિવ તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા. જ્યારે હવે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ હેઠળ વિજય નેહરાને 5 વર્ષ માટે નેશનલ ડિફેન્સ કોલેજમાં સીનિયર ડાયરેક્ટિંગ સ્ટાફ તરીકે નિમણૂક કરાઈ છે. મનીષ ભારદ્વાજની વાત કરીએ તો તેઓ 1997ની બેચના આઈએએસ અધિકારી છે. તેમણે હવે મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી હેઠળ આવતા UIDAIમાં 5 વર્ષ માટે ડે. ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂક કરાઈ છે.