આ વર્ષે રાજ્યમાં સારો વરસાદ થતા રાજ્યની જીવાદોરી ગણાતી એવી નર્મદા નદીની સપાટીમાં સતત વધારો થયો છે. આથી નર્મદા ડેમની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. માહિતી મુજબ, સવારે 10 કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 135.65 મીટરે નોંધાઈ. માત્ર 2 કલાકમાં જ સપાટીમાં 23 સે.મિ.નો વધારો થયો છે.
આજે નર્મદા ડેમના 10 દરવાજા ખોલવામાં આવી શકે છે
જણાવી દઈએ કે, સરદાર સરોવર નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમમાં પોણા ચાર લાખ ક્યુસેક પાણીની આવક થતા સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવશે. બપોરે 2 વાગ્યાની આસપાસ નર્મદા ડેમના 10 દરવાજા ખોલવામાં આવશે તેવી વિગતો સામે આવી રહી છે. શરૂઆતમાં 1.45 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવે તેવી શક્યતાઓ છે. ત્યારબાદ દર કલાકે વધુ ગેટ ખોલી પાણી છોડવાની શકયતાઓ છે.
2 કલાક્માં 3,64,629 ક્યુસેકનો વધારો
નર્મદા ડેમમાં પાણીની આવકની વાત કરીએ તો 2 કલાક્માં 3,64,629 ક્યુસેકનો વધારો થયો છે. હાલમાં પાણીની આવક 5,31,000 ક્યુસેક નોંધાઈ છે. આ સાથે સરદાર સરોવર નર્મદા ડેમમાં ગ્રોસ સ્ટોરેજનો 90% પાણીનો સંગ્રહ થયો છે. હાલ ડેમમાં પાણીનો ગ્રોસ સ્ટોરેજ 8,512 MCM છે. આજે બપોરે 12 કલાકથી 10 દરવાજા ખોલી પાણી છોડાઇ તેવી શક્યતાઓ છે. આથી નર્મદા, ભરૂચ, વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોને સાવધ રહેવા અપીલ કરવામાં આવી છે.