રાજ્યમાં એક તરફ મહિલાઓના સન્માનમાં નારી શક્તિ વંદન અભિનંદન કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. ત્યાં બીજી તરફ અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા એવા સિંધુ ભવન રોડ પર આવેલા એક વૈભવી કોમ્પ્લેક્સમાં એક યુવક દ્વારા 24 વર્ષીય યુવતીને ઢસડી-ઢસડીને માર મારતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક યુવતીના વાળ પકડીને તેને ઢોર માર મારે છે. યુવતીનું માથું દિવાલ સાથે અથડાવી તેણીના કપડા ફાડી નાંખે છે. આ વીડિયો સ્પા ગર્લનો હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં ઘટના સમયે કેટલાક લોકો ત્યાં હાજર હોવાનું પણ દેખાય છે પરંતુ, તેઓ યુવતીની રક્ષા કરતા નથી. આ મામલે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નથી થઈ. જો કે, સીસીટીવી સીમે આવતા પોલીસે આરોપીને શોધવાની તજવીજ હાથ ધરી છે.
મીડિયા અહેવાલ અનુસાર, સિંધુ ભવન રોડ પર ચાલતા ગેલેક્સી સ્પાના આ સીસીટીવી ફૂટેજ હોવાનું સામે આવ્યો છે. આ ફૂટેજમાં સ્પા પાસે એક યુવક 24 વર્ષીય યુવતીને ખૂબ જ ક્રૂરતાપૂર્વક ઢોર માર મારતા દેખાય છે. યુવક યુવતીને એટલો માર મારે છે કે તે તેના પગ પર ઊભી પણ થઈ શકતી નહોતી. વીડિયોમાં દેખાય છે કે યુવક યુવતીને વારંવાર લાફા મારે છે. ત્યાર બાદ વાળ પકડીને તેનું માથું દિવાલ સાથે અથડાવે છે. સ્પાની અંદર લઈ જઈને પણ યુવક યુવતીને માર મારે છે. આ ઘટના સમયે ત્યાં કેટલાક લોકો ઊભા દેખાય છે પરંતુ તે યુવતીને બચાવવાનો પ્રયાસ કરતા નથી.
આરોપી, સ્પા સંચાલક અને પીડિત યુવતીની શોધ
જો કે, હવે વીડિયો સામે આવતા પોલીસે યુવતીના માર મારનારા આરોપી શખ્સની શોધખોળ આદરી છે. સાથે જ પીડિત યુવતીને શોધવા અને તેને શા માટે માર મારવામાં આવ્યો તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ સ્પાના સંચાલક સુધી પહોંચવાની અને સમગ્ર મામલે માહિતી મેળવવાની કાર્યવાહી કરી રહી છે. પોલીસે જણાવ્યું કે, આરોપી શખ્સ સામે કડકમાં કડક પગલા લેવામાં આવશે.