કોરોનામાં વેન્ટીલેટરની વેલ્યુ લોકોને સમજાઈ હતી પરંતુ સુરતમાં વેન્ટીલેટર ઘૂળ ખાતા જોવા મળ્યા હતા. સુરત સિવિલ તંત્રની પોલ ખૂલી જતા આખરે આ વેન્ટીલેટરની દરકાર લેવાતા તેની સફાઈ કરવામાં આવી હતી. જે જગ્યા પર વેન્ટીલેટર મુકવામાં આવ્યા હતા તે વોર્ડની સફાઈ કરવામાં આવી હતી. પીએમ કેરમાંથી મળેલા 100 વેન્ટિલેટર ધૂળ ખાતા જોવા મળ્યા હતા. જેથી આ મામલે પ્રાપ્ત વિગતો અનુસાર મહાનગર પાલિકા પાસેથી ગાંધીનગરથી રીપોર્ટ પણ માંગવામાં આવ્યો હતો. ત્યારે આખરે તંત્રએ હવે તેની દરકાર લીધી છે.
કેન્દ્ર સરકારના આદેશ બાદ રાજ્ય સરકારના હેલ્થ વિભાગ દ્વારા એપ્રિલ મહિનામાં 10 અને 11 એપ્રિલના રોજ મોકડ્રીલ યોજવામાં આવી હતી. જેમાં તમામ હેલ્થને લગતા સાધનોની ચકાસણી કરવામાં આવી હતી. ત્યારે ખાસ કરીને આ વેન્ટીલેટર ચકાસવાના જાણે રહી ગયા હોય તે પ્રકારની સ્થિતિ સામે આવી હતી. સિવિલ હોસ્પિટલ સત્તાધીશોની ઘોર બેદરકારી સામે આવતા ગાંધીનગરથી રીપોર્ટ માંગવામાં આવ્યો હતો. ત્યારે હેવ ધૂળ ખાતા વેન્ટિલેટર જે જગ્યા પર રખાયા હતા તે વોર્ડની સફાઈ કરાઈ હતી.
વેન્ટીલેટર પર સાફસફાઈ તો ઠીક પરંતુ વેન્ટીલેટર પર પ્લાસ્ટિકનું કવર પણ ચઢાવવામાં નહોતું આવ્યું. એક તરફ કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રકારે ઈમરજન્સી જેવી સેવાઓમાં વેન્ટીલેટર સહીતના સાધનોનો મોટો ખર્ચ કરવામાં આવે છે જ્યાં બીજી તરફ આ પ્રકારની બેદરકારી પણ સામે આવી રહી છે.