મંગળવારે શરૂઆતના કારોબારમાં ડોલર સામે રૂપિયો 17 પૈસા ઘટીને 83.23 પર રહ્યો છે. રૂપિયાના મૂલ્યમાં ઘટાડાનું કારણ વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય શેરબજારમાં વેચવાલી, ભારતીય બજારમાં ઘટાડો અને યુએસ ડોલરની મજબૂતી છે.
રૂપિયા અને ડોલરમાં વેપાર
ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ અનુસાર, ડોલર સામે રૂપિયો 83.21 પર ખૂલ્યો હતો અને પછી 83.23ના સ્તરને સ્પર્શ્યો હતો. આ રીતે ડોલર સામે રૂપિયો 17 પૈસા ઘટ્યો હતો. શુક્રવારે ડોલર સામે રૂપિયો 13 પૈસાના વધારા સાથે 83.06 ના સ્તર પર બંધ થયો હતો. વિશ્વની છ કરન્સી સામે ડોલરની મજબૂતાઈ દર્શાવતો ડોલર ઈન્ડેક્સ 0.20 ટકાના વધારા સાથે 107.11 પોઈન્ટના સ્તરે છે. બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર 0.90 ટકા ઘટીને $89.89 પ્રતિ બેરલ પર છે. ભારતીય ફોરેક્સ માર્કેટ ગઈ કાલે મહાત્મા ગાંધીની જન્મજયંતી નિમિત્તે બંધ રહ્યું હતું.
ભારતીય બજારમાં વેપાર
શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 407.84 પોઈન્ટ અથવા 0.62 ટકા ઘટીને 65,420.57 પર અને નિફ્ટી 120.20 પોઈન્ટ અથવા 0.61 ટકા ઘટીને 19,518.10 પર ટ્રેડ કરી રહ્યો હતો. એક્સ્ચેન્જ ડેટા અનુસાર શુક્રવારે મૂડી બજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) ચોખ્ખા વેચાણકર્તા હતા. તેમના વતી રૂ. 1,685.70 કરોડના શેર વેચાયા હતા. શુક્રવારે રિઝર્વ બેંક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 22 સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર 2.335 અબજ યુએસ ડોલર ઘટીને 590.702 અબજ ડોલર થઈ ગયું છે. અગાઉના સપ્તાહમાં પણ દેશના વિદેશી મુદ્રા ભંડારમાં $867 મિલિયનનો ઘટાડો થયો હતો.