ચીનના હાંગઝોઉમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ભારતે હાંગઝોઉમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં અત્યાર સુધીમાં કુલ 71 મેડલ જીત્યા છે, જેમાં 16 ગોલ્ડ, 26 સિલ્વર અને 29 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
એશિયન ગેમ્સમાં ભારતે ઈતિહાસ રચ્યો
એશિયન ગેમ્સમાં ભારતે સૌથી વધુ મેડલ જીતવાનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. જકાર્તામાં આયોજિત એશિયન ગેમ્સ 2018માં ભારતે 70 મેડલ જીત્યા હતા. આ વખતે ભારતે પોતાનો જ રેકોર્ડ તોડતા 71 મેડલ જીત્યા છે. 2018માં જકાર્તામાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ભારતે કુલ 70 મેડલ જીત્યા હતા. જકાર્તા એશિયન ગેમ્સમાં ભારતે 16 ગોલ્ડ, 23 સિલ્વર, 31 બ્રોન્ઝ સહિત કુલ 70 મેડલ જીત્યા હતા.
કબડ્ડીમાં ભારતીય પુરુષોનો દબદબો
સાત વખતના ચેમ્પિયન ભારતે બુધવારે અહીં એશિયન ગેમ્સની પુરુષોની કબડ્ડી સ્પર્ધાના ગ્રુપ Aમાં થાઈલેન્ડ સામે 63-26થી આરામદાયક જીત નોંધાવી હતી. 2018માં જકાર્તામાં બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતીય ટીમની નજર ફરી એકવાર એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ પર છે. ભારતીય ટીમે શાનદાર શરૂઆત કરી અને હાફ ટાઈમ સુધી 37-9ની લીડ મેળવી લીધી. ભારતે મેચની શરૂઆતની થોડી જ મિનિટોમાં પ્રથમ વખત થાઈલેન્ડની ટીમને ‘ઓલઆઉટ’ કરી દીધી હતી. ભારતે ટૂંક સમયમાં જ બીજી વખત થાઈલેન્ડની ટીમને ‘ઓલઆઉટ’ કરી.
થાઈલેન્ડને 63-26થી હરાવ્યું
થાઈલેન્ડનો પ્રમોત સિસિંગ છેલ્લો ખેલાડી હતો અને જ્યારે તે રેઈડ માટે ગયો ત્યારે ભારતીય ટીમે ત્રીજી વખત તેમની ટીમને ‘ઓલઆઉટ’ કરી હતી. ભારતે બીજા હાફમાં ચોથી વખત થાઈલેન્ડને ‘ઓલઆઉટ’ કર્યું અને 53-17ની સરસાઈ મેળવી. થાઈલેન્ડે બીજા હાફમાં વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતે આ હાફ 26-17થી જીતીને મેચ જીતી લીધી હતી. ભારતીય પુરુષ ટીમે મંગળવારે તેની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને 55-18થી હરાવ્યું હતું.