આજે સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. આજે સોનાનો ભાવ 57500 ની સપાટી વટાવી ગયો છે. ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે શરૂ થયેલા યુદ્ધની અસરે સોના-ચાંદીની કિંમતો પર પણ અસર થઈ છે. આજે એક જ ઝાટકે સોનાની કિંમતમાં 1 ટકાથી વધુનો વધારો નોંધાયો છે. આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર 10 ગ્રામ સોના (MCX ગોલ્ડ) ની કિંમત શું છે ચાલો જાણીએ…
22 કેરેટ સોનાની કિંમત
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમત 1.12 ટકાના વધારા સાથે રૂ.57,510 પ્રતિ 10 ગ્રામ નોંધાઈ છે. જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ પર 1.44 ટકાના વધારા સાથે કિંમત રૂ. 69,151 પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી છે. દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત રૂ. 53,300 પ્રતિ 10 ગ્રામ, કોલકાતામાં રૂ.53,350 મુંબઈમાં કિંમત રૂ.53,350, લખનૌમાં રૂ. 53,300 અને ગુરુગ્રામમાં રૂ.53,300 પ્રતિ 10 ગ્રામ સુધી બોલાઈ રહી છે.
વૈશ્વિક બજારમાં કિંમત
વૈશ્વિક બજારની વાત કરીએ તો બે સપ્તાહના સતત ઘટાડા બાદ સોના અને ચાંદીના ભાવમાં જોરદાર વધારો જોવા મળ્યો છે. કોમેક્સ પર સોનાની કિંમત પ્રતિ ઔંસ 1865 ડોલરને પાર કરી ગઈ છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ લગભગ 1 ટકાના વધારા સાથે પ્રતિ ઔંસ 21.93 ડોલર સુધી પહોંચ્યા છે.
યુદ્ધની અસર જોવા મળી શકે છે
આ યુદ્ધની અસર સોના-ચાંદી પર જોવા મળશે. જેમ કે દરેક વ્યક્તિ જાણે છે કે ભારતમાં તહેવારોનો સમય છે, જેમાં લોકો સોના અને ચાંદીની મોટાપાયે ખરીદી કરે છે. આવી સ્થિતિમાં જો આ યુદ્ધની અસર જોવા મળશે તો જ્વેલરી ખરીદનારાઓને વધુ પૈસા ખર્ચવા પડી શકે છે.