ભારતની નિકાસ અને આયાતને લગતા એક નિરાશાજનક સમાચાર સામે આવી રહ્યા છે. સરકારી આંકડાઓ અનુસાર, છેલ્લા એક મહિનામાં એટલે કે સપ્ટેમ્બર મહિના દરમિયાન દેશની નિકાસમાં 2.6 ટકાનો ઘટાડો નોંધાયો છે. મીડિયા અહેવાલ અનુસાર, નિકાસ 2.6 ટકા ઘટીને US $ 34.47 બિલિયન રહી છે, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં US $ 35.39 બિલિયન નોંધાઈ હતી.
આયાતમાં પણ થયો ઘટાડો
સપ્ટેમ્બરમાં આયાત પણ ઘટી છે. મીડિયા અહેવાલ અનુસાર, ગયા મહિને આયાત 15 ટકા ઘટીને US $ 53.84 બિલિયન થઈ હતી, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં US $ 63.37 બિલિયન હતી. જો આપણે વેપાર ખાધની વાત કરીએ તો સપ્ટેમ્બરમાં વેપાર ખાધ 19.37 બિલિયન ડોલર રહી હતી.
FY24માં અત્યાર સુધીની નિકાસ અને આયાત
મીડિયા રિપોર્ટ્સ્ મુજબ, ચાલુ નાણાકીય વર્ષની વાત કરીએ તો અત્યાર સુધી એટલે કે એપ્રિલથી સપ્ટેમ્બર સુધીમાં નિકાસ 8.77 ટકા ઘટીને 211.4 અબજ યુએસ ડોલર થઈ છે. જ્યારે આ જ સમયગાળા દરમિયાન આયાત 12.23 ટકા ઘટીને US $326.98 અરબ રહી હતી.