ભારતીય બ્રાન્ડ્સે દેશના વેરેબલ માર્કેટનો 75% હિસ્સો કબજે કર્યો છે. આનાથી ચીનની એસેમ્બલી લાઇન પર ખરાબ અસર પડી છે. ત્યાંની ફેક્ટરીઓના ઓર્ડરમાં ભારે ઘટાડો થયો છે અને દેશમાં અનેક ફેક્ટરીઓ બંધ થઈ રહી છે.
દેશના સ્માર્ટફોન માર્કેટમાં ચાઈનીઝ કંપનીઓનું વર્ચસ્વ છે પરંતુ વેરેબલ ઈન્ડસ્ટ્રીમાં સ્થિતિ અલગ છે. તેમાં બોટ, નોઈઝ અને ફાયરબોલ્ટ જેવી ભારતીય કંપનીઓનું વર્ચસ્વ છે. વોલ્યુમની દ્રષ્ટિએ દેશના 75 ટકા બજાર પર સ્થાનિક કંપનીઓનું વર્ચસ્વ છે. 2022 ના અંત સુધીમાં, દેશમાં વેચાતા વેરેબલ્સમાંથી 40 ટકા દેશમાં જ બનાવવામાં આવ્યા હતા. હાલમાં આ આંકડો 65 ટકા પર પહોંચી ગયો છે અને આ વર્ષના અંત સુધીમાં તે 80 ટકા સુધી પહોંચવાની આશા છે.
IDC India અનુસાર, જાન્યુઆરી અને માર્ચ વચ્ચે, ગત વર્ષની સરખામણીમાં વેરેબલની સ્થાનિક શિપમેન્ટમાં 81 ટકાનો વધારો થયો છે અને તે 25 મિલિયન યુનિટ સુધી પહોંચી ગયો છે. આ સાથે ભારત ચીનને પાછળ છોડીને વિશ્વમાં વેરેબલ માટેનું સૌથી મોટું બજાર બની ગયું છે. બેઇજિંગમાં શિપમેન્ટ 4 ટકા ઘટીને 24.7 મિલિયન યુનિટ થયું છે. IDC ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, 2023માં ભારતીય શિપમેન્ટ 131 મિલિયન સુધી પહોંચી શકે છે, જે ગયા વર્ષે 100 મિલિયન હતા. જોકે ભારતીય કંપનીઓ હજુ પણ પાર્ટસ માટે મોટાભાગે ચીની કંપનીઓ પર નિર્ભર છે.
આ કારણે ભારતનું માર્કેટ વધ્યું
દેશના સ્માર્ટફોન માર્કેટમાં ચીનની કંપનીઓનું વર્ચસ્વ છે, પરંતુ ભારતીય કંપનીઓએ વેરેબલ માર્કેટમાં માઈલસ્ટોન કામ કર્યું છે. ગયા વર્ષે, ભારતમાં લગભગ રૂ. 8,000 કરોડની પહેરવાલાયક વસ્તુઓનું ઉત્પાદન થયું હતું. તેનું કારણ સરકારનો નિર્ણય છે. સરકારે સંપૂર્ણપણે તૈયાર પહેરી શકાય તેવી વસ્તુઓની આયાત પર 20 ટકા મૂળભૂત કસ્ટમ ડ્યુટી લાદી હતી. આ કારણે કંપનીઓએ ચીનથી આયાત કરવાને બદલે દેશમાં જ ઉત્પાદન કરવાનું શરૂ કર્યું. આજે ભારત વિશ્વના સૌથી મોટા વેરેબલ માર્કેટ તરીકે ઉભરી આવ્યું છે.