હિંદુ ધર્મમાં પિતૃઓની આત્માની શાંતિ માટે પિતૃપક્ષ મહિનામાં તેમની પૂજાનું વિશેષ મહત્ત્વ હોય છે. પિતૃ પક્ષના 15 દિવસ દરમિયાન લોકો તિથિ અનુસાર તેમના પૂર્વજોનું શ્રાદ્ધ અને પિંડદાન કરતા હોય છે. આમાં અમાવસ્યાની એક એવી તિથિ હોય છે, જેમાં પિંડદાન અને શ્રાદ્ધ તે પિતૃઓ માટે કરવામાં આવે છે, જેમની મૃત્યુ તારીખ વિશે જાણ ન હોય અથવા તો તેમનું શ્રાદ્ધ કરવાનું ભૂલાઈ ગયું હોય. આ વર્ષે સર્વ પિતૃ અમાવસ્યા આવતીકાલે એટલે કે 14 ઓક્ટોબર, શનિવારના રોજ છે. આથી કયા શુભ મુહૂર્તમાં તમે આ અમાવસ્યા પર શ્રાદ્ધ કરી શકો છો. આવો જાણીએ.
સર્વ પિતૃ અમાવસ્યા પર શ્રાદ્ધના મુહૂર્ત
પ્રાપ્ત માહિતી મુજબ, આજે એટલે કે 13 ઓક્ટોબરે રાત્રે 9.50 કલાકથી અમાવસ્યા તિથિ શરૂ થઈ રહી છે, જે બીજા દિવસે શનિવારે 14 ઓક્ટોબરે રાત્રે 11.24 કલાકે સમાપ્ત થશે. ઉદયતિથિ અનુસાર, અમાવસ્યા 14 ઓક્ટોબરે માન્ય છે. સર્વપિતૃ અમાવસ્યાના શ્રાદ્ધનો સમય 14 ઓક્ટોબરે સવારે 11.44 વાગ્યાથી શરૂ થાય છે, જે બપોરે 3.35 વાગ્યા સુધી ચાલુ રહેશે. સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે સવારથી 10:25 સુધી ઈન્દ્ર યોગ છે, ત્યાર બાદ વૈધૃતિ યોગ શરૂ થઈ રહ્યો છે. તે જ સમયે, હસ્ત નક્ષત્ર સવારથી શરૂ થઈને 4.24 વાગ્યા સુધી રહેશે. આ પછી ચિત્રા નક્ષત્ર રહેશે.
(Disclaimer: પ્રિય વાચકો, અહીં આપવામાં આવેલી માહિતી અને સૂચના સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)