વડોદરા: આજરોજ
તારીખ: ૨૪/૧૧/૨૦૨૨ ગુજરાતના વડોદરામાં અને ગુજરાતમાં વસતા મહારાષ્ટ્રીયન સમાજ, સંગઠન અને મંડળોના અગ્રણીઓ એકત્ર થઇને મહારાષ્ટ્ર રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી ભગતસિંહ કોશ્યારીજી ને તાત્કાલિક ધોરણે પદ પરથી દૂર કરવા બાબત દેશના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ અને વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઇ દામોદરદાસ મોદી ને ગુજરાત રાજ્યના વડોદરા કલેકટરશ્રી ના કાર્યાલય ખાતે આવેદન પત્ર સુપરત કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ થોડા દિવસ પૂર્વે મહારાષ્ટ્ર રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી ભગતસિંહ કોશ્યારી દ્વારા ભારત દેશના ઇતિહાસકાર તેમજ મોગલ સામ્રાજ્યમાંથી ભારત દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવનાર હિંદવી સ્વરાજ તથા સમગ્ર મહારાષ્ટ્રના આરાધ્ય દેવતા શ્રી છત્રપતિ શિવાજી મહારાજ વિશે એક જાહેર કાર્યક્રમમાં પોતાના વક્તવ્યમાં “શ્રી છત્રપતિ શિવાજી તો જૂના યુગની વાત છે. નવા યુગમાં ડો. આંબેડકરથી નીતિન ગડકરી સુધી અહીં મળી જશે” તેવું વિવાદિત નિવેદન આપ્યું હતું. મહામહિમ રાજ્યપાલશ્રી ના આ વિવાદિત નિવેદનથી મહારાષ્ટ્રીયન સમાજની લાગણી દુભાઈ છે. જે બાબતે દેશનાં તમામ મહારાષ્ટ્રીયન સમાજ, સંગઠન અને મંડળો તેવો શ્રી ના ભાષણ તથા ઉચ્ચારેલ શબ્દોને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી જાહેર વિરોધ દર્શાવી રહ્યા છે.
વડોદરા સ્થિત મહારાષ્ટ્રીયન અગ્રણીઓએ જણાવ્યું કે મહારાષ્ટ્રના મહામહિમ રાજ્યપાલ શ્રી ભગતસિંહ કોશ્યારીજીને ગુજરાત રાજ્યની વર્તમાન વિધાનસભા ચૂંટણીના મતદાન પહેલા તેમના પદથી દૂર કરવામાં આવે અને જો તેઓશ્રી ને પદથી દુર નહિ કરવામાં આવે તો ગુજરાત સ્થિત સર્વ મહારાષ્ટ્રીયન સમાજના મતદારો “નોટા” NOTA બટન દબાવીને શાસક પક્ષનો વિરોધ દર્શાવશે.
સાથોસાથ છેલ્લા ૨૦ વર્ષથી વડોદરા શહેરના તમામ પ્રજાજનો પ્રજાવાત્સલ્ય મહારાજ શ્રી સર સયાજીરાવ ગાયકવાડજી નું વડોદરા એરપોર્ટ ને નામ આપવા અથાગ પ્રયાસો કરી ચૂક્યા છે તેથી જો આ કાર્ય પણ ત્વરિત કરવામાં નહિ આવે તો ગુજરાત વિધાનસભા ૨૦૨૨ ના મતદાન પર તેની ચોક્કસ અસર જોવા મળશે તેવી ઉગ્ર માંગણી કરવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે તાજેતરમાં મહારાષ્ટ્રના મહામહિમ રાજ્યપાલ શ્રી દ્વારા જે વિવાદિત નિવેદન આપેલ છે તેના બાદ સંપૂર્ણ મહારાષ્ટ્ર પછી હવે ગુજરાતમાં પણ મહારાષ્ટ્રીયન લોકોમાં જનઆક્રોશ જોવા મળી રહ્યો છે.
ન્યૂઝ બ્યુરો: ગુજરાત પહેરેદાર, વડોદરા