વડોદરા: ઉલ્લેખનિય છે કે સ્કૂલના નાના બાળકોના બેગમાંથી સામાન્ય રીતે રમકડાં મળી આવતા હોય છે, પરંતુ હાલ જે મામલો સામે આવ્યો છે તેણે દરેકના હોંશ ઉડાવી દીધા છે. વડોદરાની સ્કૂલમાં વિદ્યાર્થીઓની બેગ ચેક કરવામાં આવતા એવી એવી વસ્તુઓ નીકળી કે દરેકના હોંશ ઉડી ગયા.
મળતી માહિતી મુજબ વડોદરાની અંબે વિદ્યાલયમાં મેનેજેન્ટ દ્વારા સરપ્રાઈઝ બેગ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિદ્યાર્થીઓના બેગમાંથી દારૂની બોટલ અને સિગારેટ મળી આવતા હડકંપ મચી ગયો હતો. અંબે વિદ્યાલયમાં ધોરણ 7માં અભ્યાસ કરતા 4 વિદ્યાર્થીઓની બેગમાંથી દારૂની બોટલ-સિગારેટ મળી આવી હતી. જે બાદ અન્ય વિદ્યાર્થીઓના વાલીઓએ પણ આ વિદ્યાર્થીઓ સામે પગલા ભરવાની મેનેજમેન્ટને રજૂઆત કરી હતી. જેથી સંચાલકે ચારેય વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યા છે. આ અંગે વાલીએ જણાવ્યું કે, વાલીઓ માટે આ ઘટના ચિંતાનો વિષય છે. આવી ભૂલ કરનાર બાળકોનું કાઉન્સિલિંગ થવું જોઈએ, સાથે જ પોલીસેને જાણ કરીને દારૂ અને સિગારેટ ક્યાંથી આવી તે તપાસ થવી જોઈએ તેવો અવાજ ઉઠ્યો છે.
હવે ચર્ચાનો વિષય અને મોટો પ્રશ્ન એ છે કે બાળકોને દારૂ અને સિગારેટ કોણે આપ્યા? બાળકોના ભવિષ્ય સાથે ચેડા કોણે કર્યા? સ્કૂલે જતા વિદ્યાર્થી પાસે દારૂ-સિગારેટ ક્યાંથી આવ્યા? બાળકોને નશાની લત્ત કોણે લગાવી? તેમજ બાળકોને નશાના પાઠ કોણ શીખવી રહ્યું છે? તેની યોગ્ય તપાસ માટેની માંગણી થઈ છે.
ન્યૂઝ બ્યુરો: ગુજરાત પહેરેદાર, વડોદરા