આ વાત છે એવા ગામની કે જ્યાં છેલ્લા એક મહિનાથી એક પણ દિવસ ખાલી નહિ હોય કે ગામમાં ભયનો માહોલ ન હોય કારણ કે અહીં ની ધરતી ધણધણી રહી છે.સતત અનુભવતા ભૂકંપના આંચકાઓને કારણે લોકોમાં ભય વધી રહ્યો છે.જોકે હજુ સુધી આ ભૂકંપના આંચકાઓને લઈને સચોટ કારણ જાણી શકાયું નથી.આજે ફરીથી એક ભૂકંપનો આંચકો આવ્યો હતો જેણે સૌ કોઈને ભયમાં ગરકાવ કર્યા હતા.
અમરેલી જિલ્લાના મીતીયાળા ગામે છેલ્લા ઘણા સમયથી ગામમાં ભૂકંપના આંચકાઓ આવી રહ્યા છે.જેને લઈને ગામમાં ભયનો માહોલ ઉભો થયો છે.આજે પણ સવારના સમયે બે જેટલા મોટા આંચકાઓનો અનુભવ ગામ લોકોએ કર્યો છે.વહેલી સવારના સમયે ભૂકંપને કારણે ગામની ધરતી ધણધણી ઉઠી હતી.આ ગામના આસપાસના કેટલાંક જંગલ વિસ્તાર અને ગામના વિસ્તારમાં જ ભૂકંપ અનુભવાઈ છે.જયારે અન્ય વિસ્તારમાં કોઈ અસર થઇ રહી નથી જેથી ગામ લોકો પણ ચકરાવે ચડ્યા છે અને ભયનો માહોલ ઉભો થયો છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે હળવો આંચકો હોવાને કારણે કોઈ મોટી નુકશાની ગામમાં થવા પામી નથી.પરંતુ અહીં સતત આવતા ભૂકંપના આંચકાઓને લોકોના જન જીવન પર અસર થઇ રહી છે.સતત એક મહિનાથી પણ વધુ સમયથી આ વિસ્તારમાં ભૂકંપ અનુભવાય છે.
આ ગામના સરપંચ મનસુખભાઇનું માનીએ તો અહીં ગામમાં કાચા મકાનો આવેલા છે ત્યારે સતત આવતા ભૂકંપના આંચકાઓને કારણે તિરાડો પડી રહી છે.જેથી ગામ લોકોના મકાનોને નુકશાન થવાની શક્યતાઓ છે.આ ઉપરાંત આ બનાવને લઈને મામલતદારથી લઈને કલેકટર સુધી રજૂઆત કરવામાં આવી છે તેમજ સ્થાનિક ધારાસભ્ય મહેશ કસવાલાને પણ રજૂઆત કરવામાં આવી છે.તેઓ પણ પોઝિટિવ જવાબ આપી રહ્યા છે..
તેવામાં આવી ઘટનાઓ ગયા વર્ષે પણ આ વિસ્તારમાં બનતી હતી અને ફરી વખત આ વર્ષે પણ એક્ટિવિટી શરુ થઇ છે.આમ તો આ ગામમાં ટોટા ફૂટી રહ્યા હોય તેવા નાના અવાજો તો આવતા જ રહે છે.પરંતુ કોઈ મોટો ઝટકો આવે ત્યારે અસર જોવા મળે છે.
આ ગામના વડીલોનું એવું માનવું છે કે આજથી 50 સેક વર્ષ પહેલા આવા અનુભવો ગામ લોકોને થતા હતા તેવામાં ત્યારે આવી વાતો થતી કે લાવાને કારણે આવા બનાવો બને છે તો કોઈ કહે છે કે જમીનના પેટાળમાં ગેસ હોવાને કારણે આ બનવું બને છે.તો બીજી તરફ એવી પણ માન્યતાઓ છે કે સોનિયા ડુંગરની પણ કેટલાક લોકો વાત કરે છે.
તો બીજી તરફ પ્રશાસનની પણ આ બાબત પર નજર છે,કલેકટરએ પણ લોકોને અપીલ કરી ચુક્યા છે. કલેકટર ગૌરાંગ મકવાણાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે,જમીનમાં પાણી સુકાવાને કારણે આવા અનુભવ થતા હોય છે.આ અંગે સિસ્મોલોજી વિભાગ ને જાણ કરવામાં આવી છે તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે તેમજ લોકોને ડરવું નહિ તેમજ શાંતિ અને સલામતી જાળવવા માટે અપીલ કરી રહ્યા છીએ.