એક બહાદુર અફઘાન છોકરીએ છોકરીઓના શિક્ષણ પર તાલિબાનના દમનકારી પ્રતિબંધ સામે પ્રતિકારનો શક્તિશાળી સંદેશ ફેલાવવા માટે દિવાલ પર #LetHerLearn લખ્યું છે.
અફઘાનિસ્તાનમાં મહિલાઓ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે જઈ શકતી નથી. આ આદેશ સાંભળીને અફઘાનિસ્તાનમાં રહેતી સેંકડો વિદ્યાર્થીનીઓને મોટો આંચકો લાગ્યો છે. અહીંની મહિલાઓ આની સામે અવાજ ઉઠાવી રહી છે, પરંતુ સાંભળનાર કોઈ નથી. આવી સ્થિતિમાં તેમની સામે રડવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી.
ત્યારે આ પ્રતિબંધો વચ્ચે એક બહાદુર અફઘાન છોકરીએ છોકરીઓના શિક્ષણ પર તાલિબાનના દમનકારી પ્રતિબંધ સામે પ્રતિકારનો શક્તિશાળી સંદેશ ફેલાવવા માટે દિવાલ પર #LetHerLearn લખ્યું છે.
એક વીડિયો શેર કરતા શબનમ નસીમીએ લખ્યું, “છોકરીઓ દર્દથી રડી રહી છે કારણ કે તેમને કહેવામાં આવ્યું છે કે તેઓને યુનિવર્સિટી છોડવી પડશે અને ઘરે જવું પડશે કારણ કે તાલિબાને અફઘાનિસ્તાનમાં મહિલા યુનિવર્સિટીના શિક્ષણ પર પ્રતિબંધ મૂક્યો છે. સાંભળીને દુઃખ થયું. લાખો છોકરીઓને તેમના માનવ અધિકારોથી વંચિત રાખવામાં આવે છે ત્યારે આપણે ચૂપ કેવી રીતે બેસી શકીએ.”
કેટલાક વિદ્યાર્થીઓ પણ સરકારના આ આદેશનો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. અબ્દુલહક ઓમેરીએ એક વીડિયો ટ્વીટ કર્યો જેમાં વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાંથી બહાર નીકળતા જોવા મળે છે. એક ટ્વીટમાં, તેણે લખ્યું, “નાંગરહાર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છોકરીઓના શિક્ષણ પર તાલિબાન પ્રતિબંધનો વિરોધ કરી રહેલી મહિલા વિદ્યાર્થીઓ સાથે એકતા દર્શાવવા માટે પરીક્ષાઓ છોડીને જઈ રહ્યા છે.”
તાલિબાન સરકારના આ નિર્ણય સામે વિદ્યાર્થીનીઓ ઉગ્ર વિરોધ કરી રહી છે. છોકરીઓ નારેબાજી કરતી સંભળાઈ રહી છે – “શિક્ષણ અમારો અધિકાર છે! શિક્ષણ અમારો અધિકાર છે!”