ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉનની હરકતોએ પાડોશી દેશોની મુશ્કેલીઓ વધારી દીધી છે. પડોશી દેશ દક્ષિણ કોરિયામાં ડ્રોન મોકલવાને કારણે વધેલા તણાવ વચ્ચે ઉત્તર કોરિયાએ હવે મિસાઈલ છોડીને પાડોશી દેશોને ધમકાવવાનું શરૂ કર્યું છે
ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉનની હરકતોએ પાડોશી દેશોની મુશ્કેલીઓ વધારી દીધી છે. પડોશી દેશ દક્ષિણ કોરિયામાં ડ્રોન મોકલવાને કારણે વધેલા તણાવ વચ્ચે ઉત્તર કોરિયાએ હવે મિસાઈલ છોડીને પાડોશી દેશોને ધમકાવવાનું શરૂ કર્યું છે. ઉત્તર કોરિયાએ શનિવારે તેની પૂર્વીય જળસીમા તરફ ત્રણ ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઇલો છોડી હતી.
દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ ઑફ સ્ટાફે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમના દેશની સેનાએ શનિવારે સવારે ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગના દક્ષિણ વિસ્તારમાંથી ત્રણ મિસાઈલ પ્રક્ષેપણ શોધી કાઢ્યા હતા. તેમણે કહ્યું કે, મિસાઈલ પ્રક્ષેપણ બાદ દક્ષિણ કોરિયાએ સતર્કતા વધારી છે અને અમેરિકા સાથે ગાઢ તાલમેલથી દરેક પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે.
બીજી તરફ, જાપાનના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાએ શંકાસ્પદ રીતે બેલેસ્ટિક મિસાઈલ છોડી હતી. દક્ષિણ કોરિયા દ્વારા છેલ્લા આઠ દિવસમાં આ પ્રથમ મિસાઈલ લોન્ચિંગ છે. જણાવી દઈએ કે પાંચ દિવસ પહેલા દક્ષિણ કોરિયાએ પ્યોંગયાંગ પર તેના એરસ્પેસમાં પાંચ ડ્રોન મોકલવાનો આરોપ લગાવ્યો હતો. ઉત્તર કોરિયાએ અગાઉ 2017માં દક્ષિણ કોરિયાને ડ્રોન મોકલ્યા હતા.
દક્ષિણ કોરિયાના યુદ્ધ વિમાનો અને હેલિકોપ્ટર સરહદે દેખાયેલા ઉત્તર કોરિયાના ડ્રોનને પાડવામાં નિષ્ફળ ગયા અને આ ડ્રોન ઉત્તર કોરિયામાં પાછા ફર્યા. આમાંથી એક ઉત્તર સિઓલ સુધી ગયું. દક્ષિણ કોરિયાની સેનાએ ઉત્તર કોરિયાના ડ્રોનને તોડી પાડવામાં નિષ્ફળ રહેવા બદલ માફી માંગી છે. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક યોલે મંગળવારે ઉત્તર કોરિયા પર વધુ સારી રીતે દેખરેખ રાખવા માટે મજબૂત એર ડિફેન્સ સિસ્ટમ અને હાઇ-ટેક ડ્રોન માટે હાકલ કરી હતી.