સોમવારે તુર્કી અને સીરિયામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.8 હતી. દક્ષિણપૂર્વ તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે ભારે નુકસાન થયાના અહેવાલ છે. બંને દેશોમાં ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 100 લોકોના મોત થયા છે
ભૂકંપનું કેન્દ્ર તુર્કીના ગાઝિયાંટેપમાં હતું. તે સીરિયા બોર્ડરથી 90 કિમી દૂર સ્થિત છે. આવી સ્થિતિમાં સીરિયાના ઘણા શહેરોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે સરહદની બંને બાજુ ભારે વિનાશ થયો છે.
જણાવવામાં આવી રહ્યું છે કે સ્થાનિક સમય અનુસાર તુર્કીમાં ભૂકંપ સવારે 4.17 કલાકે આવ્યો. તેની ઊંડાઈ જમીનની અંદર 17.9 કિલોમીટર હતી. ભૂકંપનું કેન્દ્ર ગાઝિયાંટેપ નજીક હતું. ભૂકંપના જોરદાર આંચકામાં ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ. અત્યાર સુધીમાં 53 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. તુર્કીના ઓસ્માનિયામાં 34 ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ.
તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ એર્દોગને ટ્વીટ કરીને જણાવ્યું કે ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કામગીરી ચાલી રહી છે. ભૂકંપ દરમિયાન ઓછામાં ઓછા 6 વાર આંચકા આવ્યા હતા. એર્દોગને લોકોને ક્ષતિગ્રસ્ત થયેલી ઈમારતોમાં ન પ્રવેશવાની અપીલ કરી.
કહેવામાં આવી રહ્યું છે કે સીરિયાના લેબનોનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સીરિયાના અલેપ્પો અને હમા શહેરમાંથી નુકસાનના અહેવાલો છે. સિવિલ ડિફેન્સ અનુસાર, સીરિયામાં તુર્કીની સરહદે આવેલા વિસ્તારોમાં ઘણી ઇમારતો ધરાશાયી થઈ છે. દમાસ્કસમાં પણ ભૂકંપના આંચકા બાદ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. લેબનોનમાં લગભગ 40 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
તુર્કીની ભૌગોલિક સ્થિતિને કારણે અહીં વારંવાર ભૂકંપ આવે છે. 1999થી અત્યાર સુધીમાં ભૂકંપના કારણે 18000 લોકોના મોત થયા છે.