ચંદ્ર પર ચંદ્રયાન-3ના સફળ સોફ્ટ લેન્ડિંગે વિશ્વ માટે નવા દરવાજા ખોલી દીધા છે. આખી દુનિયા ભારતના આ અભિયાનની સફળતાની રાહ જોઈ રહી હતી. ચંદ્રની દક્ષિણ બાજુએ પહોંચનારો ભારત પહેલો દેશ બની ગયો છે. આ સંદર્ભમાં ઈસરોનું આ મિશન ઘણી રીતે વિશેષ હતું. ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરના સફળ ઉતરાણ બાદ દરેક ભારતીયની જેમ અમેરિકા પણ ખુશ હતું. અમેરિકન સ્પેસ એજન્સી નાસા પણ ભારતના આ મિશન પર મોટી આશા રાખી રહી છે.
નાસા 2025-26માં લોન્ચ કરશે મિશન
જાણકારી અનુસાર, નાસા 2025-26માં ચંદ્રના દક્ષિણ ભાગમાં પહોંચવા માટે પોતાનું મિશન શરૂ કરશે. ભારત સિવાય અહીં અત્યાર સુધી કોઈ નથી પહોંચ્યું એટલે આખી દુનિયા માટે આ એક ઊંડો અને આંધળો કૂવો છે. પરંતુ હવે જ્યારે ભારતનું ચંદ્રયાન અહીં પહોંચ્યું છે, ત્યારે અહીંથી પ્રાપ્ત માહિતી અને સંશોધન સમગ્ર વિશ્વ માટે ફાયદાકારક સાબિત થશે. ચંદ્રયાન પાસેથી મળેલી માહિતી અનુસાર નાસા તેના મિશનને આગળ ધપાવશે. કહેવામાં આવી રહ્યું છે કે નાસા આ અભિયાનમાં માણસોને પણ મોકલી શકે છે. જોકે, અત્યારે આ માત્ર અટકળો છે.
પ્રજ્ઞાન રોવર લેન્ડરમાંથી બહાર આવ્યું
જયારે આ પહેલા પ્રજ્ઞાન રોવર લેન્ડર વિક્રમમાંથી બહાર આવ્યું અને ચંદ્રની જમીન પર પહોંચી ગયું છે. હવે 14 દિવસ સુધી લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન ચંદ્રની સપાટી પર વિવિધ સ્તરે સંશોધન કરશે, જે ભવિષ્યમાં ચંદ્ર પર જીવનની શોધમાં મદદરૂપ થશે. પ્રજ્ઞાનના પૈડાં ચંદ્રની ધરતી પર ભારતના રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભ અને ઈસરોના લોગોની છાપ છોડી રહ્યા છે. હાલમાં અડધો કિ.મી. એટલે કે પ્રજ્ઞાન રોવર 500 મીટરના વિસ્તારમાં સંશોધન કરશે. તે જ સમયે, લેન્ડર વિક્રમમાં રોકાયેલા ચાર પેલોડ પણ ચંદ્ર પર સંશોધન કરશે.