દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) ની જીવન આઝાદ પોલિસીને સારો પ્રતિસાદ મળ્યો છે. LIC એ લોન્ચ થયાના 10-15 દિવસમાં 50 હજાર જીવન આઝાદ પોલિસી વેચી છે. એલઆઈસીના ચેરમેન એમઆર કુમારે વર્ચ્યુઅલ પ્રેસ મીટ દરમિયાન આ અંગેની માહિતી આપી હતી. જીવન આઝાદ પોલિસી એ નોન પાર્ટિસિપેટિંગ વીમા સ્કીમ છે. એલઆઈસીએ તેને જાન્યુઆરી 2023માં લોન્ચ કર્યું હતું. LIC તમામ ઉંમરના લોકો માટે સ્કીમ ચલાવે છે. દેશના લાખો લોકોએ LICની તમામ યોજનાઓમાં રોકાણ કર્યું છે.
મળશે ગેરેન્ટી રિટર્ન
જીવન આઝાદ યોજનામાં પ્રીમિયમ ભરવાની મુદત માઈનસ 8 વર્ષ છે. ઉદાહરણ તરીકે, જો કોઈ રોકાણકાર 18 વર્ષની પોલિસી મુદતના વિકલ્પની પસંદગી કરે છે, તો વ્યક્તિએ માત્ર 10 વર્ષ (18-8) માટે જ પ્રીમિયમ ચૂકવવું પડશે. મેચ્યોરિટી પર પોલિસીની રકમ એકસાથે ચૂકવવાની ખાતરી આપે છે. આ પોલિસીમાં લઘુત્તમ વીમાની રકમ 2 લાખ રૂપિયા છે અને મહત્તમ વીમાની રકમ 5 લાખ રૂપિયા છે. આ પોલિસી 15 થી 20 વર્ષ માટે લઈ શકાય છે.
કોણ લઈ શકે છે આ પોલિસી ?
ધારો કે, કોઈ 30 વર્ષનો વ્યક્તિ 18 વર્ષ માટે જીવન આઝાદ સ્કીમ લે છે. 2 લાખની વીમા રકમ માટે તે 10 વર્ષ માટે 12,038 રૂપિયા જમા કરે છે. પોલિસીધારકના મૃત્યુના કિસ્સામાં, ‘બેઝિક સમ એશ્યોર્ડ’ અથવા પોલિસી લેતી વખતે પસંદ કરાયેલા વાર્ષિક પ્રીમિયમના 7 ગણા નોમિનીને ચૂકવવામાં આવશે. જો કે, તેના માટે શરત એ છે કે મૃત્યુની તારીખ સુધી ચૂકવવામાં આવેલ કુલ પ્રીમિયમ 105 ટકાથી ઓછું ન હોવું જોઈએ.
90 દિવસથી 50 વર્ષની વય જૂથની વ્યક્તિ આ યોજનામાં રોકાણ કરી શકે છે. એલઆઈસીની આ યોજના લેનાર પોલિસીધારક વાર્ષિક, અર્ધવાર્ષિક, ત્રિમાસિક અને માસિક ધોરણે પ્રીમિયમ ચૂકવી શકે છે. પોલિસી ધારકોને પાકતી મુદત પૂરી થવા પર ગેરેન્ટીડ રિટર્ન મળે છે.