જૂનિયર ક્લાર્ક પેપર લીક મામલે એટીએસ એ દેશભરમાંથી જુદા-જુદા રાજ્યો અને ગુજરાતમાંથી પકડેલા 19 આરોપીઓના આજે રીમાન્ડ પૂર્ણ થયા છે ત્યારે તેમને કોર્ટમાં હાજર કરવામાં આવશે.
જૂનિયર ક્લાર્ક પેપરલીક મામલે ભાસ્કર ચૌધરી, પ્રદીપ નાયક, કેતન બારોટ, નરેશ મોહંતી સહીતના આરોપીઓને કોર્ટ સમક્ષ હાજર કરાશે. અગાઉ તેમના રીમાન્ડ 10 ફેબ્રુઆરી સુધીના મંજૂર કરવામાં આવ્યા હતા ત્યારે કેટલાક આરોપીઓને ઓરીસ્સા સહીતના રાજ્યોમાંથી પણ પકડવામાં આવ્યા છે. એટીએસ દ્વારા વધુ પૂછપરછ માટે તેમજ ખૂટતી કડીઓ જોડવા માટે વધુ સમય કોર્ટ સમક્ષ રીમાન્ડને લઈને કરવામાં આવશે. આ ગંભીર મામલે વડોદરા કોર્ટમાં રીમાન્ડ કોર્ટ દ્વારા સંભવતઃ મળી શકે છે તેવી શક્યતાઓ છે.
આ ઉપરાંત આજે પોલીસ તરફથી જવાબ પણ રજૂ કરવામાં આવશે. અત્યાર સુધી તેમની પાસેથી શું વિગતો મળી, કોની સંડોવણી હતી એ તમામ બાબતોને લઈને જવાબો રજૂ કરવામાં આવશે.
પેપર લીક કાંડમાં એક પછી એક આરોપીઓને શોધી પાડવામાં આવ્યા હતા. એટીએસએ 16 આરોપીઓ પકડ્યા બાદ કોલકાતાથી વધુ બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા આ ઉપરાંત ઓરીસ્સાથી પણ એકની ધરપકડ કરાઈ હતી. અગાઉ એક પછી એક એમ 19 આરોપીઓ ઝડપાયા છે.
ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક કરવાના આરોપમાં વડોદરા કોર્ટે આરોપીના 10 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા તે આજે પૂર્ણ થયા છે. ગુજરાત ATS હવે આ 19 આરોપીઓનું કનેક્શન શોધી કાઢવા અને ચોક્કસ પુરાવા એકત્ર કરવા વધુ રીમાન્ડ માંગશે. રદ થયેલી પરીક્ષા 100 દિવસમાં લેવાની જાહેરાત સરકારે કરી છે. લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનાર પેપર લીકના આરોપીઓ સામે સરકાર દ્વારા આગામી સમયમાં કાયદો પણ લાવવામાં આવી રહ્યો છે જે અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે.