પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને ફરી એકવાર ભારતના વખાણ કર્યા છે. ભારતની વિદેશ નીતિના વખાણ કરતાં તેમણે કહ્યું કે યૂક્રેન સાથેના યુદ્ધને કારણે અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશોના દબાણ છતાં ભારત ઝૂક્યું નહીં અને રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદતું રહ્યું
ઇમરાન ખાને કહ્યું કે ગયા વર્ષે જ્યારે મેં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે મોસ્કોમાં ભારતની જેમ સસ્તું તેલ ખરીદવાની ડીલ ફાઈનલ કરી હતી, ત્યારે આર્મી ચીફ બાજવાએ યૂક્રેન પર હુમલાની નિંદા કરી દીધી અને આખો મામલો ખરાબ થઈ ગયો. સાથે જ ઇમરાને કહ્યું કે તે અમેરિકાના વિરોધી પણ નથી.
જોકે, આ પહેલા એક ઈન્ટરવ્યુમાં ઇમરાને અમેરિકા વિશે પણ પોતાનો અભિપ્રાય બદલી દીધો હતો. અમેરિકાના વિરોધ પર યુ-ટર્ન લેતા ઇમરાને ખાને કહ્યું હતું કે તેઓ અમેરિકા વિરોધી નથી. ઇમરાને દાવો કર્યો હતો કે જનરલ બાજવાએ અમેરિકનોને કહ્યું હતું કે તેઓ અમેરિકા વિરોધી છે.
ઇમરાન ખાને તેમની સરકારને ઉથલાવવામાં કમર જાવેદ બાજવાની ભૂમિકા અંગે સેના દ્વારા ‘આંતરિક તપાસ’ની માંગ કરી છે. બાજવાના કથિત ‘કબૂલાત’ બાદ ખાને આ માંગ કરી છે. ઇમરાન ખાને તહેરિક-એ-તાલિબાન (TTP) આતંકવાદી સંગઠન સાથે વાતચીતને લીલી ઝંડી આપવાના તેમની સરકારના પગલાનો મજબૂત બચાવ કર્યો. ઇમરાન ખાને કહ્યું, “સૌથી પહેલા, તાલિબાન સત્તામાં આવ્યા પછી પાકિસ્તાની સરકાર સમક્ષ કયા વિકલ્પો હતા અને તેઓએ TTP પર નિર્ણય કર્યો અને અમે 30,000 થી 40,000 લોકોની વાત કરી રહ્યા છીએ. તમે જાણો છો, તેમાં પરિવારો પણ સામેલ હતા, એકવાર જયારે તેઓએ (TTP) તેમને પાકિસ્તાન પાછા મોકલવાનું નક્કી કર્યું? શું અમારે તેમને લાઇનમાં ઉભા કરીને ગોળી મારી દેવી જોઈતી હતી કે પછી અમારે તેમની સાથે મળીને તેમને ફરીથી વસાવવાનો પ્રયાસ કરવો જોઈતો હતો?