તાલિબાન ધીમે ધીમે અફઘાનિસ્તાનમાં ક્રૂર કાયદા તરફ પાછું ફરી રહ્યું છે. એક પછી એક અનેક મામલા સામે આવ્યા બાદ અમેરિકાએ તેની આકરી નિંદા કરી છે.
અફઘાનિસ્તાનમાં સત્તા પર પાછા ફર્યા બાદ તાલિબાને ફરી એકવાર ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી છે. અહીં ગુરુવારે મહિલાઓ સહિત 27 અફઘાનોને ભીડની સામે સખત કોરડા મારવામાં આવ્યા હતા. તેમના પ્રવક્તાએ આ બર્બરતા પાછળ આ લોકોમાં ઈસ્લામ પ્રત્યે આદરનો અભાવ હોવાનું જણાવ્યું.
અહેવાલો અનુસાર, અહીંની કોર્ટે ગુરુવારે 27 ગુનેગારોને કોરડા મારવાનો આદેશ આપ્યો હતો. નવ મહિલાઓ સહિત અપરાધીઓને હજારોની ભીડની સામે રાજધાની કાબુલથી લગભગ 50 કિમી ઉત્તરે આવેલા પરવાન પ્રાંતની રાજધાની ચારિકરમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં તેઓને કોરડા મારવામાં આવ્યા હતા. આ તમામ ગુનેગારોએ કોઈપણ લડાઈ વિના કોર્ટ સમક્ષ પોતાનો ગુનો સ્વીકારી લીધો હતો. કોર્ટે આપેલી સજાથી પણ સંતુષ્ટ હતા, પણ જેવી તેમને કોરડા મારીને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી, તમામ આરોપીઓ સ્તબ્ધ થઇ ગયા.
આ અપરાધોની આપવામાં આવી સજા
તાલિબાનો દ્વારા સજા ભોગવનારાઓમાં 9 મહિલાઓ પણ હતી. આ મહિલાઓ પર છેતરપિંડી, ખોટી જુબાની, ડ્રગ્સ ખરીદવા અને વેચવા, ઘરેથી ભાગી જવા, હાઇવે પર લૂંટ અને ગેરકાયદેસર સંબંધો બનાવવાનો આરોપ હતો. ભારે ભીડ વચ્ચે આ બધાને સજા કરવામાં આવી. આ દરમિયાન લોકો ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવી રહ્યા હતા. તાલિબાને તેમના એક નિવેદનમાં કહ્યું હતું કે ‘અમે ઇચ્છીએ છીએ કે ભગવાનનો કાયદો અમારી જમીન પર લાગુ થાય.’
હત્યાના આરોપીને ચાર રસ્તા પર ઉભા રાખીને ગોળી મારી
રાજધાની ફરાહમાં, તાલિબાન અધિકારીઓએ હત્યારાને ચાર રસ્તા પર ઉભો કર્યો અને પીડિતના પિતાની સામે તેને ગોળી મારી દીધી. આ દરમિયાન લોકોની ભારે ભીડ હાજર હતી. તાલિબાને આવી ક્રૂરતા પછી કહ્યું કે આ “કિસાસ”નું યોગ્ય ઉદાહરણ છે, જે શરિયાનું એક તત્વ છે જે આ સજા માટે પરવાનગી આપે છે. ત્યારે સુપ્રીમ લીડર હિબતુલ્લા અખુન્દઝાદાએ ગયા મહિને ન્યાયાધીશોને ઇસ્લામિક કાયદાનો સંપૂર્ણ અમલ કરવાનો આદેશ આપ્યો હતો, જેના પછી તાલિબાને જાહેર સજામાં વધારો કર્યો.
વિદેશોમાં થઈ રહી છે આકરી ટીકા
અફઘાનીઓને જાહેરમાં ફાંસીથી લઈને કોરડા મારવા અને ગોળીબાર સુધીની આપવામાં આવી રહેલી સજાની વિદેશમાં નિંદા કરવામાં આવી છે. યુનાઇટેડ સ્ટેટ્સે તેને “તમામ અફઘાનોની ગરિમા અને માનવાધિકારનું અપમાન” ગણાવ્યું હતું. આ દરમિયાન વિદેશી પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું હતું કે “આ અમને સંકેત આપે છે કે તાલિબાન 1990ના દાયકાની તેની પ્રતિકૂળ અને અપમાનજનક પ્રથાઓ પર પાછા ફરવા માંગે છે.”