મળતી માહિતી મુજબ, રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા પીએમ નરેન્દ્ર મોદીની ચારથી પાંચ રેલીઓ અને કાર્યક્રમો થઈ શકે છે.
રાજ્યભરમાં પાર્ટીના અધ્યક્ષ કરશે પ્રવાસ
પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ચૂંટણી રણનીતિ તૈયાર કરવા માટે 19 ફેબ્રુઆરીથી કર્ણાટકના ત્રણ દિવસના પ્રવાસે જઈ રહ્યા છે. નડ્ડા રાજ્યમાં વિવિધ કાર્યક્રમોમાં સામેલ થશે અને ચૂંટણી તૈયારીઓને લઈને રાજ્ય સંગઠનના નેતાઓ સાથે બેઠક પણ કરશે. વિશ્વસનીય સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, બીજેપી અધ્યક્ષ ઉડુપી અને બેલુરમાં જાહેર સભાઓને સંબોધિત કરશે. જ્યારે મેંગલુરુમાં પાર્ટીના કાર્યક્રમમાં હાજરી આપશે. તે ચિક્કામગાલુરુમાં યોજાનારી ભાજપની બાઇક રેલીમાં પણ ભાગ લેશે. નડ્ડા તેમની મુલાકાત દરમિયાન શૃંગેરી મઠની પણ મુલાકાત લેશે. તેઓ આશ્રમમાં જ એક રાત રોકાશે. શૃંગેરી મઠ સૌથી પવિત્ર અને મહત્ત્વપૂર્ણ હિંદુ તીર્થ સ્થાનોમાંનું એક છે. શૃંગેરી એ આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર પીઠો (કેન્દ્રો)માંથી એક છે. આ પછી તેઓ હાસન જિલ્લામાં કાર્યકર્તા સંમેલનને પણ સંબોધિત કરશે.
પીએમ ચૂંટણી પહેલા ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે
મળતી માહિતી મુજબ, રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા પીએમ નરેન્દ્ર મોદીની ચારથી પાંચ રેલીઓ અને કાર્યક્રમો થઈ શકે છે. પીએમ મોદી કર્ણાટકના પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાના જન્મદિવસ 27 ફેબ્રુઆરીએ તેમના જિલ્લા શિમોગામાં એરપોર્ટનું ઉદ્ઘાટન કરવા જઈ શકે છે. આ સિવાય વડાપ્રધાન મોદી માર્ચના પહેલા સપ્તાહમાં જ મૈસૂર અને બેંગ્લોર એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરવા માટે કર્ણાટક જઈ શકે છે. કર્ણાટકમાં ભાજપ 1 માર્ચથી વિજય સંકલ્પ રથયાત્રા શરૂ કરવા જઈ રહી છે. યાત્રાના સમાપન દિવસે મધ્ય કર્ણાટકના દાવંગેરેમાં એક મોટી જાહેર સભા યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આને સંબોધિત કરી શકે છે.