અમિતાભ બચ્ચને બ્લોગમાં આગળ લખ્યું કે, ઈજાના કારણે તમામ કામ સ્થગિત કરી દેવામાં આવ્યા છે અને શૂટિંગ પણ કેન્સલ રાખવામાં આવ્યું છે.
અમિતાભ બચ્ચને બ્લૉગમાં આપી માહિતી
અમિતાભ બચ્ચને તેમના બ્લોગમાં જણાવ્યું કે, તેઓ હૈદરાબાદમાં તેમની આગામી ફિલ્મ ‘પ્રોજેક્ટ K’નું શૂટિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન એક એક્શન સીન શૂટ થવાનો હતો. તે કરતી વખતે તેમને ઈજા થઈ છે. પાંસળીનું હાડકું તૂટી ગયું છે અને જમણી બાજુની પાંસળીના સ્નાયુઓ ફાટી ગયા છે. આથી શૂટ રદ કરવામાં આવ્યું છે. હૈદરાબાદની એક હોસ્પિટલમાં સીટી સ્કેન કરાવ્યું હતું અને ડૉક્ટરની સલાહ પર તેઓ હાલ તેમના ઘરે ‘જલસા’માં આરામ કરી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, પાટો કરવામાં આવ્યો છે અને બાકીનું પણ નિરીક્ષણ હેઠળ છે. હલનચલન અને શ્વાસ લેવામાં થોડી તકલીફ થાય છે. તેમને સાજા થવામાં થોડો સમય લાગશે. કેટલીક દવા પણ ચાલી રહી છે.
ચાહકોને ન મળવા બદલ દુ:ખ વ્યક્ત કર્યું
અમિતાભ બચ્ચને બ્લોગમાં આગળ લખ્યું કે, ઈજાના કારણે તમામ કામ સ્થગિત કરી દેવામાં આવ્યા છે અને શૂટિંગ પણ કેન્સલ રાખવામાં આવ્યું છે, જ્યાં સુધી સંપૂર્ણ સારવાર ન થાય ત્યાં સુધી કશું કામ નહીં કરી શકે. તેમણે કહ્યું કે, હું જલસામાં આરામ કરી રહ્યો છું અને અગત્યના કામો માટે મોબાઈલ પર એક્ટિવ છું. પણ એ કહેવું થોડું મુશ્કેલ છે કે હું આજે સાંજે જલસાના ગેટ પર ચાહકોને મળી શકીશ કે નહીં. એટલા માટે તમે લોકો આવતા નહીં. અને જે લોકો આવવાનું વિચારી રહ્યા છે તેમને પણ આ વાત જણાવી દો. બાકીનું બધું બરાબર છે.
આ પહેલા પણ થઈ હતી ઇજા
નોંધનીય છે કે, થોડા સમય પહેલા ‘કૌન બનેગા કરોડપતિ 14’ના સેટ પર બિગ બી સાથે અકસ્માત થયો હતો. તેમના પગની નસ ફાટી ગઈ હતી, જેથી સતત લોહી વહેવાને કારણે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારે અભિનેતાએ ખુદ લોકોને આ વિશે જણાવ્યું હતું. ખૂબ જ મુશ્કેલીથી ડોક્ટરે લોહીનો પ્રવાહ બંધ કર્યો હતો.