આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જોકે, આ મામલે ચાંગોદર પોલીસે હત્યાનો ગુનો નોંધીને અત્યાર સુધી 7 લોકોની અટકાયત કરી છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં 35 વર્ષીય નેપાળી યુવકને માર મારતા તેનું મોત નીપજ્યું છે. કેટલાક લોકોએ યુવકને થાંભલે બાંધીને માર માર્યો હતો. નેપાળી યુવકને ગંભીર ઈજાઓ થતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જોકે નેપાળી યુવકને કોણે અને કેમ માર મારવામાં આવ્યો તે અંગે હાલ કોઈ માહિતી મળી નથી. પરંતુ, ઘટનાની જાણ પોલીસને થતા ચાંગોદર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને અજાણ્યા યુવકો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, અત્યાર સુધીમાં પોલીસે આ કેસમાં 7 લોકોની અટકાયત કરી છે.
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
નેપાળી યુવકને માર મારતાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જે આધારે પોલીસે તપાસ આદરી છે. ઉલ્લેખનીય છે કે, શહેરના ચાંગોદર વિસ્તારમાં દિવસે દિવસે ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે. થોડા દિવસ પહેલા જ ચાંગોદરમાં આવેલા એક ગોડાઉનમાંથી શંકાસ્પદ કેફી પીણાની બોટલોના વિશાળ જથ્થા સાથે ચાંગોદર પોલીસ એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસે બાતમીના આધારે પરમિટ વગર કે લાયસન્સ મેળવ્યા વગર લોકોના આરોગ્યને નુકસાન કરે તેવા શંકાસ્પદ નશાકારક કેફી પીણાની બોટલોના વિશાળ જથ્થા ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.