ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડો.રઘુ શર્માએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, અદાણીને બચાવવા માટે આ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભાજપ ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરે છે. રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી અને ગુજરાતના પ્રભારી ડો. રઘુ શર્માએ અમદાવાદમાં સંકલ્પ સત્યાગ્રહમાં ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા હતા.
શર્માએ કહ્યું કે અમારો એક જ પ્રશ્ન છે કે સરકાર બેરોજગારી, મોંઘવારી અને અદાણી કૌભાંડ પર કેમ મૌન છે? શર્માએ કહ્યું કે રાહુલ ગાંધી દેશમાં લોકશાહી બચાવવા માટે લડી રહ્યા છે. શર્માએ કહ્યું કે કર્ણાટકના કોલારમાં રાહુલ ગાંધીએ આપેલા ભાષણ સાથે ભ્રષ્ટાચાર, મોંઘવારી, બેરોજગારી અને જનહિતના મુદ્દાઓ સંકળાયેલા હતા.
રઘુ શર્માએ વધુમાં કહ્યું કે રાહુલ ગાંધીના કેસના ઘટનાક્રમને સમજવાની જરૂર છે. 7 ફેબ્રુઆરીએ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી-અદાણી પર લોકસભામાં ભાષણ આપ્યું હતું. 16 ફેબ્રુઆરીએ અરજદારે ગુજરાત હાઈકોર્ટમાંથી પોતાનો સ્ટે પાછો ખેંચી લીધો હતો. માનહાનિના કેસની સુનાવણી 27મી ફેબ્રુઆરીએ શરૂ થઈ અને 17મી માર્ચે પૂરી થઈ અને પછી 23મી માર્ચે આવી. આ પછી બીજા જ દિવસે લોકસભાની સદસ્યતા પણ પૂર્ણ કરી દેવામાં આવી હતી. શર્માએ કહ્યું કે આવું એટલા માટે થયું કારણ કે રાહુલ ગાંધી સંસદમાં બોલી ન શક્યા તેમ આક્ષેપ લગાવ્યા હતા.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું કે રાહુલ ગાંધી ડરતા નથી. તેમણે દેશ માટે સત્ય અને અહિંસાનો માર્ગ પસંદ કર્યો છે.આ લડતમાં તમામ કોંગ્રેસીઓ ખભે ખભા મિલાવીને ચાલી રહ્યા છે. રાહુલ ગાંધી દેશના સળગતા સામાજિક, આર્થિક અને રાજકીય મુદ્દાઓ પર બોલતા રહેશે અને પોતાનો અવાજ ઉઠાવશે.