બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકરની 132મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાતના ગાંધીનગરમાં એક મોટા ધર્મ પરિવર્તન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લગભગ 10,000 દલિત હિન્દુઓએ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો. કાર્યક્રમમાં સૌએ બૌદ્ધ સાધુઓની હાજરીમાં પ્રતિજ્ઞા પણ લીધી હતી. રામકથા મેદાનમાં આયોજિત આ મહા ધર્મ પરિવર્તન કાર્યક્રમનું આયોજન સ્વયં સૈનિક દળ નામની સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું.
દલિત હિન્દુઓના ધર્માંતરણ મુદ્દે ભાજપે આયોજકો પર નિશાન સાધ્યું છે. ગુજરાત ભાજપ અનુસૂચિત મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલસિંહ આર્યએ જણાવ્યું હતું કે આયોજકો ગાંધી જયંતિના નામે લોકોને બોલાવે છે અને પછી અચાનક જ ધર્મ પરિવર્તનની જાહેરાત કરી દે છે. આવી સ્થિતિમાં લોકોને કંઈ સમજાતું નથી.
આર્યએ કહ્યું કે આવી ઘણી ટીમો છે જે આ કામમાં લાગેલી છે. તેમણે કહ્યું કે જ્યારે ભાજપની સરકારો સૌનો સાથ અને સૌના વિકાસના ધ્યેય સાથે કામ કરી રહી છે ત્યારે આ બધાની જરૂર નથી. તેમણે કહ્યું કે આ એક મોટું ષડયંત્ર છે. તેને સફળ થવા દેશે નહીં.
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા આર્યએ જણાવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી અંતર્ગત શરૂ કરાયેલ સેવા હી સમર્પણ અભિયાન અંતર્ગત અનુસૂચિત જાતિના લોકોને સશક્ત કરવામાં આવશે અને તેમને સન્માન પણ આપવામાં આવશે. પૂર્વ સાંસદ અને મોરચાના રાષ્ટ્રીય મહાસચિવ શંભુનાથ ટુંડિયાએ ધર્મ પરિવર્તન કરનારા તમામ લોકોને આડે હાથ લીધા હતા.
ધર્માંતરણ પહેલા રેલી કાઢવામાં આવી
રામકથા મેદાન ખાતે ધર્મ પરિવર્તન કાર્યક્રમ પહેલા સ્વમં સૈનિક દળે રેલી પણ કાઢી હતી. રેલીનો પ્રારંભ ત્રિમંદિરથી થયો હતો. જેમાં દેશ અને રાજ્યના વિવિધ પ્રદેશોમાંથી મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકોએ ભાગ લીધો હતો. તો ત્યાં લોકો 100 થી વધુ બસમાં રામકથા મેદાન પહોંચ્યા હતા અને ત્યારબાદ આંબેડકર જયંતિની ઉજવણી સાથે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી.