વેપારી અને પરીવારને રાત્રે ધમકાવી, જેલમાં પુરી દઈશું તેમ ડરાવીને 60 હજાર પડાવનાર અમદાવાદના તોડબાજ પોલીસ કર્મીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.
આ મામલે સોલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. 60 હજાર વેપારી પાસેથી પડાવવાનો મામલો સામે આવતા લોકો પણ ચિંતામાં છે. જે પોલીસ કર્મીઓએ સુરક્ષા પ્રદાન કરવી જોઈએ તે આખરે લોકોને જ લૂંટવાનું કામ કરી રહ્યા છે.
આ મામલે ફરીયાદ નોંધાતા સોલા પોલીસે બે પોલીસ કર્મી અને એક ટીઆરબી જવાનની ધરપકડ કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મુકેશ, અશોક અને વિશાલ નામના કર્મીઓની ધરપકડ કરાઈ છે.
25 ઓગસ્ટના રોજ વેપારી એરપોર્ટથી રાતના સમયે ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે વેપારી અને પરીવારજનોને હેરાન કરી જેલમાં પુરી સજા અપાવવાની ધમકી આપી હતી. ડ્રાઈવ ચાલી રહી છે રાત્રે કેમ ફરી રહ્યા છો તેમ કહી વેપારીને ડરાવ્યા હતા અને તોડ કર્યો હતો. ઓંગણજ સર્કલ પાસે વેપારીને રોકીને 60 હજારનો તોડ કર્યો હતો.
સાઉથ બોપલ વિસ્તારના વેપારીએ ઉબર કેબ કરી હતી અને ત્યારે ઓંગણજ પાસે રોકી તેમને પોલીસની ગાડીમાં બેસાડ્યા હતા. વેપારી અને તેમના પત્ની અને એક બાળકને સાથે બેસાડીને અવાવરું જગ્યાએ લઈ જઈને બે લાખની માગણી કરી હતી. પરીવાર સાથે હતો ત્યારે તેમને ડરીને 60 હજાર આપવાનું નક્કી કર્યું હતું. અડધી રાત્રે એટીએમમાં લઈ જઈને વેપારી પાસેથી રુપિયા પડાવ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર આ પોલીસ કર્મીઓની સોલા પોલીસે ધરપકડ કરી છે અને કોર્ટમાં રીમાન્ડ માટે લઈ જવાયા છે. તોડબાજી આ રીતે કરીને જાણે કે, રીતસરની ગુંડાગર્દી કરી રહ્યા હોય તે પ્રકારે આ કિસ્સો પોલીસ કર્મીઓના જ સામે આવ્યા છે. જે ખરાઅર્થમાં આંખ ઉઘાડનારા અને તંત્રને આ દિશામાં વધુ વિચારણા કરીને યોગ્ય પગલા લેવા સમાન છે.