ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની પોલીસ કસ્ટડીમાં હત્યા બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે સીએમ યોગી પર કટાક્ષ કર્યો અને કહ્યું કે જો શાસક દળો બંધારણ અને કાયદાની અવગણના કરવાની ટેવ પાડશે, તો દેશ ખોટા રસ્તે જશે.”
મુંબઈમાં એક ઈફ્તાર પાર્ટીમાં હાજરી આપતાં શરદ પવારે કહ્યું, “દેશ બંધારણ અને કાયદા પ્રમાણે ચાલે છે. જો સત્તાધારી દળો બંધારણ અને કાયદાની અવગણના કરીને આવાં પગલાં લેવાની આદત પાડશે તો આપણે ખોટા રસ્તે ચાલ્યા જઈશું… જો કાયદો અને બંધારણને ભૂલીને પોતાના કાયદો પોતાના હાથમાં લઈ આવાં પગલાં લેવાની વાત કરવામાં આવે તો તે ખોટું છે. જો આવું ભયનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવે તો તે દેશ માટે સારું નથી…’ એનસીપીના દિગ્ગજ નેતા શરદ પવારે યુપીના સીએમ યોગી આદિત્યનાથ પર આ તીખી ટીપ્પણી કરી છે.
અતીક-અશરફ પહેલા અસદનું એન્કાઉન્ટર થયું
તમને જણાવી દઈએ કે ગેંગસ્ટરમાંથી રાજનેતા બનેલા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદનું શનિવારે પ્રયાગરાજમાં મેડિકલ તપાસ દરમિયાન મોત થયું હતું. પોલીસની સામે પોઈન્ટ બ્લેન્ક રેન્જમાં બંનેને ગોળી વાગી હતી અને ગોળી વાગતાં બંને બદમાશો સ્થળ પર જ ઢળી પડ્યા હતા.
આ પહેલા અતીક અહેમદનો પુત્ર અસદ પણ ઉત્તર પ્રદેશના ઝાંસીમાં એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. તેની હત્યા બાદ બંને ભાઈઓ અતીક અને અશરફની હત્યા કરવામાં આવી હતી. આ પછી જિલ્લા કોર્ટે અતીક અને અશરફને ગોળી મારનારા ત્રણ શૂટર્સ અરુણ મૌર્ય, સની સિંહ અને લવલેશ તિવારીને રવિવારે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે અને આજે તેઓ કોર્ટમાં હાજર થશે જ્યાં પોલીસ તેમના રિમાન્ડ માંગશે.
NHRCએ તપાસ રિપોર્ટ માંગ્યો
રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC) એ મંગળવારે અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની “કસ્ટોડિયલ હત્યા” ની નોંધ લીધી અને ઉત્તર પ્રદેશના પોલીસ મહાનિર્દેશક અને પોલીસ કમિશનર, પ્રયાગરાજને નોટિસ જારી કરી.
NHRCએ રાજ્ય પોલીસને હત્યાની તપાસનો રિપોર્ટ ચાર અઠવાડિયામાં સોંપવા કહ્યું છે. અતીક અહેમદના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવાયું છે કે ગેંગસ્ટરને ઓછામાં ઓછી આઠ ગોળી મારવામાં આવી હતી, જેમાં તેના માથા, ગળા અને છાતીમાં ગોળી વાગી હતી. ઓટોપ્સી રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે બંને ગેંગસ્ટર ભાઈઓ ગોળી વાગ્યા બાદ ઘટનાસ્થળે જ પડ્યા હતા અને મૃત્યુ પામ્યા હતા.