સુરત શહેર પોલીસની આગવી પહેલ: થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’ યોજાયો
‘સમાજને સુરક્ષાની સાથે ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરવાની ઉમદા વિચારધારા સાથે કાર્યરત છે સુરત પોલીસ’:
‘દર મહિને થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે વિવિધ પોલીસ સ્ટેશનમાં રકતદાન કેમ્પનું આયોજન કરાશે’: ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવી
‘પોલીસ અને પ્રજા વચ્ચેના સુયોગ્ય તાલમેલથી કામગીરીના શ્રેષ્ઠ પરિણામો શક્ય’: પોલીસ કમિશ્નરશ્રી અજયકુમાર તોમર
ગૃહરાજયમંત્રીશ્રી અને પોલીસ કમિશનરશ્રીએ રકતદાન કર્યું
કેમ્પમાં ૧૦૦૮ યુનિટથી વધારે બોટલ રક્ત એકત્ર કરાયુંઃ ૮૫ જેટલા પોલીસ જવાનોએ રક્તદાનમાં ભાગ લીધો
સુરત શહેર વિસ્તારમાં રહેતા થેલેસેમિયા પીડિત બાળકોને વર્ષ દરમિયાન રક્ત પુરું પાડવાની વ્યવસ્થા કરવાના હેતુથી સુરત શહેર પોલીસ અને પાંડેસરા ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશન દ્વારા પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે આયોજીત ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’ની ગૃહરાજયમંત્રીશ્રી હર્ષ સંઘવીએ મુલાકાત લઈ રકતદાન કર્યું હતું. જયારે પોલીસ કમિશનરશ્રી અજયકુમાર તોમરે પણ રકતદાન કર્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન ૧૦૦૮થી વધુ યુનિટ રકત એકત્ર કરાયું હતું. જેમાં નાગરીકો સાથે પોલીસ વિભાગના ૮૫ જેટલા જવાનોએ પણ રક્ત દાન કર્યું હતું.
થેલેસેમિયા એક એવો રોગ છે જેમાં દર મહિને વ્યક્તિને સ્વસ્થ રહવા માટે લોહી બદલવાની જરૂર પડે છે ત્યારે સુરત શહેરમાં વસતા ૧૪૦૦ થી ૧૫૦૦ જેટલા થેલેસેમિયાગ્રસ્ત બાળકોની વ્હારે આવી સુરત શહેર પોલીસે સામાજિક જવાબદારીના ભાગરૂપે એક અનોખી પહેલ ચાલુ કરી છે.
સુરત શહેર પોલીસની ઉત્તમ કામગીરીને બિરદાવતા ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સુરત શહેર પોલીસ લોકોને સુરક્ષાની સાથે સ્વાસ્થ્ય પ્રદાન કરવાની ઉત્તમ વિચારધારા સાથે કાર્ય કરી રહી છે. આ વાતને ગૌરવભેર આગળ વધારતા તેમણે જણાવ્યું હતું કે, દર મહિને થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે વિવિધ પોલીસ સ્ટેશનમાં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે. વધુમાં તેમણે થેલેસેમિયાથી પીડાતા લોકોની દવા તેમજ ઇન્જેકશનની જરૂરીયાતને પહોંચી વળવા સતત કાર્યરત સરકારની કટિબદ્ધતા દર્શાવી હતી અને લોકોને પણ સમાજના જરૂરીયાતમંદોને મદદ કરવા તેમજ પોલીસ પરિવાર દ્વારા થતી કામગીરીને પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે પોલીસ કમિશનરશ્રી અજયકુમાર તોમરે સુરતની પ્રજાના હકારાત્મક અભિગમ અને તેમના સહયોગની પ્રસંશા કરી હતી. પોલીસ વિભાગ દ્વારા કરાયેલા નવતર પ્રયોગને લોકોનો ઉત્તમ પ્રતિસાદ મળતા તેમણે હર્ષભેર જણાવ્યું હતું કે, પોલીસ અને પ્રજા વચ્ચેનાં સુયોગ્ય તાલમેલને પરિણામે કોઈપણ કામગીરીમાં શ્રેષ્ઠ પરિણામો લાવી શકાય છે. વધુમાં તેમણે હરહંમેશ પોલીસ દ્વારા પ્રજાના હિતમાં થતા કાર્યોની વિગતો આપી હતી.
આ અવસરે મેયરશ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, એડીશનલ પોલીસ કમિશનરશ્રી કે.એન.ડામોર, નાયબ પોલીસ કમિશનરશ્રી સાગર બાગમાર,પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસો.નાં પ્રમુખશ્રી કમલવિજય તુલસીયાન, SGTPA પ્રમુખશ્રી જીતેન્દ્ર વખારિયા, PIL ચેરમેનશ્રી મહેશભાઈ કબૂતરવાલા, પોલીસ અધિકારીઓ અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.