બિહારના પટનામાં આજે રાજકીય ગરમી ખૂબ જ વધેલી દેખાઈ રહી છે. વિપક્ષના તમામ નેતાઓ આજે મુખ્યમંત્રી નીતીશ કુમારના નિવાસસ્થાને એકઠા થઈ રહ્યા છે. અહીં તેઓ આગામી લોકસભા ચૂંટણી 2024 માટે ગઠબંધન વિશે વાત કરવા ભેગા થઈ રહ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, બંગાળના સીએમ મમતા બેનર્જી, તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે સહિત ઘણા નેતાઓ આ બેઠકમાં ભાગ લેશે.
પોસ્ટરોથી ભરાઈ ગયું છે પટના શહેર
વિપક્ષી પાર્ટીઓની આ બેઠક પહેલા પટના શહેર પોસ્ટરોથી ભરાઈ ગયું છે. ઠેકઠેકાણે પોસ્ટરો દેખાઈ રહ્યા છે, તમામ પક્ષોના કાર્યકરોએ પોતાના નેતાઓને આવકારવા પોસ્ટર લગાવી દીધા છે. એરપોર્ટ પર સમર્થકોની ભીડ જામી છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલયની બહાર લગાવવામાં આવેલ એક પોસ્ટર સૌનું ધ્યાન ખેંચી રહ્યું છે. આ પોસ્ટરમાં શાહરૂખ ખાનની હિટ ફિલ્મ દેવદાસ દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કરવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં રાહુલ ગાંધીને વાસ્તવિક જીવનના દેવદાસ તરીકે દર્શાવવામાં આવ્યા છે.
રાહુલ ગાંધીને બનાવ્યા રિયલ લાઈફ દેવદાસ
પોસ્ટરમાં, જ્યાં ઉપરની તરફ શાહરૂખ દ્વારા બોલાયેલ ડાયલોગ લખવામાં આવ્યો છે, તો નીચે રાહુલ ગાંધીના ફોટા સાથે લખેલું છે કે મમતા દીદીએ કહ્યું બંગાળ છોડી દો, કેજરીવાલે કહ્યું દિલ્હી અને પંજાબ છોડી દો, લાલુ-નીતીશે કહ્યું કે બિહાર છોડી દો… અખિલેશે કહ્યું ઉત્તર પ્રદેશ છોડી દો… સ્ટાલિને કહ્યું તમિલનાડુ છોડી દો… એ દિવસ દૂર નથી જ્યારે બધા એક સાથે મળીને કહેશે, કોંગ્રેસ (રાહુલ) રાજનીતિ છોડી દો.
કોંગ્રેસે લગાવ્યા ‘મોહબ્બત કી દુકાન’ના બેનર
બીજી તરફ કોંગ્રેસે પણ પટનાના અનેક વિસ્તારોમાં બેનરો લગાવી દીધા છે. તેને દુકાન જેવો દેખાવ આપવામાં આવ્યો છે, જેના પર ‘મોહબ્બત કી દુકાન’ લખેલું છે. આ બેનરમાં રાહુલ ગાંધીની મોટી તસવીર પણ લગાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા ગઈકાલે પણ પટનાની સડકો પર પોસ્ટર જોવા મળ્યા હતા. આ પોસ્ટરો વિપક્ષની બેઠક પર પણ કેન્દ્રિત હતા. વિપક્ષી દળોની બેઠક પહેલા પટનાના રસ્તાઓ પર લાગેલા આ પોસ્ટરો વર્તમાન રાજકીય વાતાવરણને વધુ રસપ્રદ બનાવી રહ્યા છે.