મમતા બેનર્જીએ ફરી એકવાર ભાજપ પર નિશાન સાધ્યું છે અને ખુલ્લો પડકાર ફેંક્યો છે. કોલકાતામાં ઈદના અવસર પર પોતાના સંબોધનમાં મમતાએ સ્પષ્ટ કહ્યું કે ભાજપમાં મુસ્લિમ મતોનું વિભાજન કરવાની હિંમત નથી. લોકસભાની ચૂંટણીને આડે એક વર્ષ બાકી છે. અમે જોઈશું કે કોણ જીતે છે અને કોણ નહીં.
જીવ આપી દઈશ, દેશના ટુકડા નહીં થવા દઉં
તેમણે કહ્યું કે અમે બંગાળમાં રમખાણો નથી ઈચ્છતા, અમે શાંતિ ઈચ્છીએ છીએ. અમે આ દેશના ટુકડા કરવા માંગતા નથી. જે લોકો આ દેશના ટુકડા કરવા માંગે છે તેમને હું કહું છું કે આજે ઈદ પર હું વચન આપું છું કે હું મારો જીવ આપવા તૈયાર છું પણ દેશના ભાગલા નહીં થવા દઈશ.
જોઈએ કોણ જીતે છે અને કોણ નહીં
કોઈ ભાજપ પાસેથી પૈસા લઈને એમ કહે છે કે અમે મુસ્લિમ મતોનું વિભાજન કરીશું, તો હું તેમને કહેવા માંગુ છું કે ભાજપમાં મુસ્લિમ મતો વહેંચવાની હિંમત નથી. આ મારું આજે તમને વચન છે. ચૂંટણીમાં હજુ એક વર્ષ બાકી છે. અમે જોઈશું કે કોણ જીતશે અને કોણ નહીં.
લોકશાહી ગઈ તો બધું જ જતું રહેશે
મમતાએ કહ્યું કે જો લોકશાહી જતી રહી તો બધું જ જતું રહેશે. આજે બંધારણ બદલાઈ રહ્યું છે, ઈતિહાસ બદલાઈ રહ્યો છે. તે લોકો NRC લાવ્યા, મેં તેમને કહ્યું હતું કે હું આવું નહીં થવા દઉં.