અમેરિકાના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે અમેરિકી સંસદમાં ઈતિહાસ રચ્યો હતો. પીએમ મોદીએ બીજી વખત અમેરિકી સંસદને સંબોધન કર્યું. આ સાથે પીએમ મોદી અમેરિકી સંસદને સંબોધન કરનાર ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા છે. યુએસ સંસદમાં પીએમ મોદીના લગભગ 58 મિનિટના ભાષણ દરમિયાન, તેમણે 15 વખત સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું. તેમના ભાષણ દરમિયાન 79 વખત તાળીઓ વાગી. પીએમ મોદીએ તેમના ભાષણમાં જણાવ્યું કે કેવી રીતે ભારત-અમેરિકાની મિત્રતા નવી ઊંચાઈઓ સર કરી રહી છે.
વડાપ્રધાન મોદી અમેરિકાની રાજકીય મુલાકાતે જનારા ત્રીજા ભારતીય નેતા છે. પીએમ મોદી પહેલા મનમોહન સિંહ નવેમ્બર 2009માં અને જૂન 1963માં રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણન અમેરિકાની રાજકીય મુલાકાતે ગયા હતા. જો કે અત્યાર સુધી કોઈ પણ ભારતીય વડાપ્રધાને અમેરિકી સંસદને બે વાર સંબોધન કર્યું નથી. તે જ સમયે, વિશ્વના માત્ર કેટલાક ગણતરીના નેતાઓએ જ યુએસ સંસદમાં બે વાર સંબોધન કર્યું છે.
બેન્જામિન નેતન્યાહુ પછી બીજા ક્રમે
પીએમ મોદી અમેરિકી સંસદને બે વાર સંબોધન કરનાર પ્રથમ ભારતીય પીએમ બન્યા છે. ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ પછી બીજા ક્રમે છે, જેમણે ત્રણ વખત સંબોધન કર્યું છે. જયારે ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલ અને દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલા વિશ્વના એવા કેટલાક નેતાઓમાં સામેલ છે જેમણે યુએસ સંસદને બે વાર સંબોધિત કર્યું છે.
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂન 2016માં અમેરિકાની મુલાકાત દરમિયાન યુએસ કોંગ્રેસ એટલે કે યુએસ સંસદને સંબોધિત કર્યું હતું. 7 વર્ષ પહેલા પીએમ મોદી યુએસ સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરનાર દેશના 5મા ભારતીય વડાપ્રધાન બન્યા હતા. તેમના પહેલા વડાપ્રધાન મનમોહન સિંહે 19 જુલાઈ 2005ના રોજ, 14 સપ્ટેમ્બર 2000ના રોજ અટલ બિહારી વાજપેયી, 18 મે 1994ના રોજ પીવી નરસિમ્હા રાવ અને 13 જુલાઈ 1985ના રોજ રાજીવ ગાંધીએ યુએસ સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું હતું.