અંકલેશ્વર તાલુકાના એક ગામના યુવા ખેડૂતે લાલ જાબુંની ખેતી કરી છે. આ અનોખા પ્રકારના જાંબુમાં થઈ રહેલી સારા ઉત્પાદનને લઈને ખેડૂતને મોટી કમાણીની આશા જાગી છે. ત્યારે તમને જણાવીશું કે, કેવી રીતે આ ખેતી કરવામાં આવી છે અને આ જાંબુની ખાસ વાત શું છે.
ભારત દેશમાં અવનવા ફળ-ફળાદિ ફ્રૂટ બજારોમાં જોવા મળી રહ્યા છે. દેશના કેટલાક ભાગોમાં કુદરતી રીતે ખાડી કિનારે કુદરતી ઊગી નીકળેલ જાંબલી કલરના જાંબુડા જોવા મળે છે. પરંતુ ભરૂચના ખેડૂતે અનોખા જાંબુનું વાવેતર કર્યું હતું. જણાવી દઈએ કે, આ ખેડૂતે મહારાષ્ટ્રથી છોડ લાવીને લાલ જાંબુનું ઉત્પાદન કર્યું છે. જેના કારણે તેમને સારી આવક મળે તેવી પણ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ફ્રૂટ બજારોમાં છેલ્લા 4 કે 5 વર્ષથી લાલ જાંબુનું વેચાણ
હાલ બદલાતા સમયમાં નામ પણ નહીં સાંભળ્યા હોય તેવા વિદેશી ફળો ભારતીય બજારોમાં વેચાતા મળી રહ્યા છે. આથી, સ્વાદ પ્રિય લોકો ફળોના સ્વાદનો આનંદ પણ લૂંટી રહ્યા છે. જણાવી દઈએ કે, ભરૂચના ખેડૂત ફ્રૂટ બજારોમાં છેલ્લા 4 કે 5 વર્ષથી લાલ જાંબુ વેચાતા નજરે પડી રહ્યા છે.
નોકરી છોડી યુવાને ખેતીમાં ઝંપલાવ્યુ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના નાનકડા બોરભાઠા બેટ ગામમાં રહેતા યુવા ખેડૂત અતુલકુમાર બી.પટેલ છેલ્લા 7 વર્ષથી ખેતી કરી રહ્યા છે. અભ્યાસમાં ITI AOCPનો કોર્ષ કર્યો છે,. આ ખેડૂતે ઘણા વર્ષ નોકરી પણ કરી હતી, પરંતુ નોકરી કરતા ખેતીમાં વધુ પડતો રસ હોવાથી યુવાને ખેતીમાં ઝપલાવ્યું છે.
મહારાષ્ટ્રથી લાવ્યા લાલ જાંબુના છોડ
અતુલકુમાર પટેલે પોતાના ખેતરના શેઢા ઉપર લાલ જાંબુના છોડ ઉગાડ્યા છે. મહારાષ્ટ્રથી ખાસ ટ્રાયલ માટે લાવીને લાલ જાંબુના છોડની માવજત કરી ખાતર અને દેશી પદ્ધતિથી છોડ મોટું કરવા માટે મહેનત કરી રહ્યા હતા. જણાવી દઈએ કે, આ છોડને ત્રણ વર્ષ થતા જ તેના ઉપર એક નહિ પણ હજારો ફળ બેસ્યા હતા અને ગત વર્ષે 3 કવિન્ટલથી વધુનું ઉત્પાદન થતા ખેડૂતને મણના 1 હજાર રૂપિયાની આવક થઈ હતી. આ ખેડૂતને ગત વર્ષે આ જાંબુમાંથી 3 કવિન્ટલે 5 હજારથી વધુની આવક થઈ હતી.
આ વર્ષે યોગ્ય પ્રાકૃતિક ખાતર અને માવજાતને લઈ સારું ઉત્પાદન થાય તેવી આશા ખેડૂતે સેવી છે. ખેડૂતને 4 કવિન્ટલથી પણ વધુ લાલ જાંબુનું ઉત્પાદન મળવા સાથે 8 હજારથી વધુની આવક મળશે. હાલ તો ખેડૂત લાલ જાંબુના ઉત્પાદનને લઈ આનંદિત જોવા મળ્યા હતા.
લાલ જાંબુનો ફાલ આવતા જ તેને તોડી સ્થાનિક અંકલેશ્વર-ભરૂચના બજારોમાં પહોંચાડવામાં આવશે. આ લાલ જાંબુના અનેક ફાયદા પણ છે. વિટામિન અને લોહ તત્વો તેમજ તેને ખાવાથી શરીર તંદુરસ્ત, નિરોગી રહેવા સાથે સ્વસ્થ રહે છે. આથી જ ભરૂચ જિલ્લામાં પણ આ લાલ જાંબુનું ચલણ વધ્યું છે.