આગના કારણે ઓફિસમાં ધુમાડો થઈ જતા કર્મચારીઓ નીચે ઉતરી ગયા હતા. આ મામલે ફાયર બ્રિગેડને જાણ કરાતા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.
મળતી માહિતી મુજબ, અકોટા વિસ્તારના આવેલા ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્સમાં બીજા માળે ચોલા મંડલમ ફાઇનાન્સની ઓફિસ આવેલી છે. શનિવારે બપોરે ઓફિસના સર્વર રૂમમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ અંગે એક કર્મચારીનું ધ્યાન જતા તેણે અન્ય તમામ કર્મચારીઓને જાણ કરી હતી. જો કે, સર્વર રૂમમાં અચાનક ભડાકો થતા જોરદાર અવાજ થયો હતો. જે સાંભળીને કર્મચારીઓ ડરી ગયા હતા. આગના કારણે ઓફિસમાં ધુમાડો થઈ જતા કર્મચારીઓ જીવ બચાવી ત્વરિત નીચે ઉતર્યા હતા.
ઓફિસનો તમામ સામાન બળીને ખાખ થયો
આ મામલે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. આથી ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. બિલ્ડિંગમાં જવા માટે કોઈ જગ્યા ના હોઈ અને બિલ્ડિંગનો કાચ તોડવાની ફરજ પડી હતી. જોકે ઘણી જહેમત બાદ ટીમે આગ પર અંકુશ મેળવ્યો હતો. ઘટનાના સમયે ઓફિસમાં લગભગ 50 કર્મચારી હાજર હતા. જો કે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. પરંતુ, ઓફિસના કમ્પ્યુટર, ફર્નિચર સહિતનો તમામ સામાન બળીને ખાખ થઈ જતા મોટું નુકસાન થયું હતું.