ઈઝરાયેલ 26 એપ્રિલે તેનો સ્વતંત્રતા દિવસ ઉજવે છે. આ વખતે દેશ પોતાનો 75મો સ્વતંત્રતા દિવસ ઉજવવાની તૈયારી કરી રહ્યો છે, પરંતુ તે પહેલા જ દેશમાં થયેલા જોરદાર પ્રદર્શનોએ તેને ભીંસમાં લાવી દીધું છે. 22 એપ્રિલથી, ઇઝરાયેલી જનતા ફરીથી રસ્તાઓ પર ઉતરી આવી છે. લોકો દ્વારા વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. દેશની ન્યાય પ્રણાલીમાં સુધારાના નામે નેતન્યાહૂની સરકાર દ્વારા લાવવામાં આવેલી યોજના લોકોને પસંદ નથી આવી રહી. આ યોજનાનો વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.
આ વર્ષની શરૂઆતથી જ દેશમાં જોરદાર વિરોધ પ્રદર્શન
જણાવી દઈએ કે, આ વર્ષની શરૂઆતથી જ દેશમાં જોરદાર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ઈઝરાયેલની સ્થાપના વર્ષ 1948માં થઈ હતી. આવી સ્થિતિમાં, સ્વતંત્રતા દિવસ પહેલા, રાષ્ટ્રીય એકતા દર્શાવવાના હેતુથી જનતા વિરોધ કરી રહી છે. નિષ્ણાતોના મતે, આ ઈઝરાયેલના ઈતિહાસની સૌથી ગંભીર કટોકટીમાંથી એક છે. દેશની સર્વોચ્ચ અદાલતને નબળી બનાવવાની નેતન્યાહુ સરકારની યોજનાઓથી લોકોમાં નારાજગી છે. લોકો સરકારની યોજનાને તેમના દેશની તપાસ અને સંતુલનની વ્યવસ્થા પરના એક હુમલા અને તેની લોકશાહી માટે જોખમ તરીકે જુએ છે.
નેશનલ કાઉન્સિલ ફોર જ્યુઈશ વુમનના પ્રમુખ શીલા કાત્ઝના જણાવ્યા અનુસાર, આ યોજના ન્યાયિક સુધારણા વિશે નથી, પરંતુ લોકશાહી વિશે છે. જનતાનું કહેવું છે કે, સુપ્રીમ કોર્ટ તમામ લોકોના અધિકારોનું રક્ષણ કરવા માટે છે અને આ કિસ્સામાં તેને રાજકારણથી દૂર રાખવું જોઈએ. ઇઝરાયેલની આઝાદીના 75 વર્ષ લખેલા પ્લેકાર્ડ અને નેતન્યાહુના ફોટા પર ‘ક્રાઇમ મિનિસ્ટર’ લખેલા બેનરો સાથે જનતા પ્રદર્શન કરી રહી છે.