ભરૂચના મકતમપુરમાં સ્થાનિક યુવાનોને પરપ્રાંતિયો દ્વારા ફટકારતો એક વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. મારામારીનો આ વીડિયો સામે આવતા હવે 11 પોલીસ સ્ટેશનના 69 સ્ટાફે નાઈટ કોમ્બિન્ગ હાથ ધર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિકરણના લીધે ઔદ્યોગિક વસાહતો તેમ જ અંકલેશ્વર શહેરની નજીક પરપ્રાંતિયોની જનસંખ્યા મોટા પ્રમાણમાં છે. ત્યારે બે દિવસ પહેલા ભરૂચના મકતમપુર વિસ્તારમાંથી સ્થાનિક યુવાનોને પરપ્રાંતિયો દ્વારા ઝઘડો કરી માર મારવાનો વીડિયો સામે આવ્યો હતો. આ ઘટના બાદ હવે ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે જિલ્લા પોલીસને તુરંત એક્શન લેવા આદેશ આપ્યા હતા. આ આદેશ બાદ ભરૂચ SOG, LCB, BDDS, QRD, પેરોલ ફ્લો, ટ્રાફિક પોલીસ સાથે એ, બી, સી ડિવિઝન, તાલુકા અને મહિલા પોલીસ સ્ટેશને મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. અને જિલ્લાના 11 પોલીસ સ્ટેશનની 11 ટીમ 69 પોલીસ જવાનોએ નાઇટ કોમ્બિન્ગ હાથ ધર્યું હતું.
24 ગુના દાખલ, 49 વાહનો જપ્ત કરાયા
આ ઓપરેશન હેઠળ જિલ્લા પોલીસની ટીમોએ મકતમપુર, ઝાડેશ્વર ગામ સહિતના વિવિધ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને 24 ગુના દાખલ કરાયા હતા. જાહેરનામનો ભંગ કરનાર લોકો સામે ગુનો દાખલ કરાયો હતો. 49 વાહનો જપ્ત કરાયા હતા. પોલીસની આ ઝૂંબેશ હેઠળ 12 પીધેલાઓને જેલ ભેગા કરાયા હતા, જ્યારે 3500નો દંડ વસુલ કરાયો હતો.