અમદાવાદ કોર્ટે સમન્સની પ્રથમ સુનાવણી હાથ ધરી હતી. માનહાનિ કેસમાં કેજરીવાલની મુશ્કેલીઓ વધી શકે છે. અમદાવાદની કોર્ટે ગુજરાત યુનિવર્સિટીના માનહાનિ કેસમાં અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ સામે ફરી સમન્સ જારી કર્યા છે. કોર્ટે હવે આ મામલે સુનાવણી માટે 7 જૂનની તારીખ નક્કી કરી છે.
ગુજરાત યુનિવર્સિટીએ અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ સામે કેસ દાખલ કર્યો છે. પીએમની ડિગ્રી કેસમાં યુનિવર્સિટીની છબી ખરાબ કરવાનો આરોપ છે. ત્યારે આ કેસ મામલે અમદાવાદની કોર્ટે બંને નેતાઓ સામે સમન્સ જારી કર્યા હતા. અગાઉ માનહાનિના કેસમાં કોર્ટે 23 મેના રોજ હાજર થવાનું કહ્યું હતું. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને રાજ્યસભા સાંસદ સંજય સિંહ વિરુદ્ધ બે વખત સમન્સ જારી કરવામાં આવ્યા હતા. કોર્ટે ફરી જારી કરેલા સમન્સમાં માનહાનિના કેસની ફરિયાદની નકલ જોડી છે.
કોર્ટે અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહને 7 જૂને કોર્ટમાં હાજર થવા માટે સમન્સ પાઠવ્યું છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા દાખલ કરાયેલા આ કેસમાં અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ પર યુનિવર્સિટીની છબી ખરાબ કરવાનો આરોપ છે.
અગાઉ ગુજરાત હાઈકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એમએ ડિગ્રી અંગે આરટીઆઈ દ્વારા માહિતી માંગવાના મામલે કેન્દ્રીય માહિતી આયોગના 2016ના આદેશને રદ કર્યો હતો. આ સાથે હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલ પર 25000નો દંડ પણ ફટકાર્યો હતો. યુનિવર્સિટીનો આરોપ છે કે આ બંને નેતાઓએ હાઈકોર્ટના નિર્ણય બાદ પણ યુનિવર્સિટી વિરુદ્ધ ખોટી ટિપ્પણીઓ કરી હતી. જેના કારણે લોકોમાં યુનિવર્સિટી વિશે ખોટી ઇમેજ ઉભી થઇ હતી અને લોકોમાં એવી ધારણા હતી કે ગુજરાત યુનિવર્સિટી બોગસ અને નકલી ડિગ્રીઓ બહાર પાડે છે.
PM મોદીની ડિગ્રી વિશે માહિતી આપવાના CICના આદેશ સામે ગુજરાત યુનિવર્સિટીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. લાંબી રાહ જોયા બાદ ગુજરાત હાઈકોર્ટે CICના આદેશને રદ કર્યો હતો. આ પછી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તો AAP નેતા સંજય સિંહે બીજા દિવસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.